CMO અને ગિફ્ટ સિટિના પ્રેસિડેન્ટ તરીકે રોફ ઝાડતા પકડાયેલો ઠગ પોલીસ જાપ્તામાંથી ફરાર

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
CMO અને ગિફ્ટ સિટિના પ્રેસિડેન્ટ તરીકે રોફ ઝાડતા પકડાયેલો  ઠગ પોલીસ જાપ્તામાંથી ફરાર 1 - image

વડોદરાઃ સીએમઓના નામે રોફ ઝાડતા પકડાયેલો વિરાજ પટેલ વડોદરાની કોર્ટમાંથી પોલીસને ચકમો આપી ફરાર થઇ જતાં પોલીસે દોડધામ કરી મૂકી છે.

ગઇ તા.૧લી મે એ વિરાજ પટેલ વડોદરાની વિવાન્તા હોટલમાં મુંબઇની મોડેલ સાથે રોકાયો હતો અને રાતે ગોત્રીની પીવીઆરમાં ફિલ્મ જોવા ગયો ત્યારે પ્રદિપ નાયરની સાથે પગ અડી જવા બાબતે ઝઘડો થતાં તેણે પોતે સીએમઓનો અધિકારી હોવાની ઓળખ આપી રોફ ઝાડયો હતો.જેથી ગોત્રી પોલીસ આવી જતાં વિરાજને પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

પોલીસ તપાસ દરમિયાન વિરાજનો ભાંડો ફૂટી જતાં મોડેલ પણ ચોંકી હતી.વિરાજે મોડેલને ગિફ્ટ સિટિની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની ઓફર કરી ફસાવી હતી.તેની પોલ ખૂલી જતાં વિરાજ સામે બળાત્કારનો ગુનો નોંધાવ્યો હતો.જેથી છેતરપિંડી અને બળાત્કારના ગુનામાં સંડોવાયેલા વિરાજને વડોદરા સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યો હતો.

વિરાજ અશ્વિનભાઇ પટેલ(પૃથ્વી હોમ્સ, સત્યમેવ રોયલ્સ પાસે,સરગાસણ, ગાંધીનગર)ને ગઇકાલે તા.૧૦મીએ કોર્ટમાં મુદત હોવાથી અન્ય ૨૫ આરોપીઓની સાથે રજૂ કરવામાં આવ્યો હતો.પીએસઆઇ એન એ પાટીલે પોલીસ ફરિયાદમાં કહ્યું છે કે,કુલ ૨૫ આરોપીઓને અમે મુદતનું કામ થઇ ગયા બાદ જેલમાં મોકલી આપ્યા હતા.પરંતુ વિરાજ પટેલ સાંજ સુધી નહિં દેખાતાં તેને લઇ જનાર કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ભારતસિંહને પૂછ્યું હતું.તેણે વિરાજ પટેલ પોલીસને ચકમો આપી ફરાર થઇ ગયો હોવાની જાણ કરતાં ગોત્રી પોલીસે વિરાજ પટેલ સામે વધુ એક ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મુંબઇની મોડેલને બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધી

 ફ્લેટ,પગાર,શૂટિંગ દીઠ દોઢ લાખની ઓફર કરી

 ગિફ્ટ સિટીના પ્રેસિડેન્ટ તરીકે મુંબઇની મોડેલ સાથે ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડરનો કોન્ટ્રાક્ટ કરનાર ઠગ વિરાજ પટેલ સામે મોડેલે બળાત્કાર ગુજાર્યો હોવાની અને રૃ.સાડાત્રણ લાખ પડાવી લીધા હોવાની ફરિયાદ નોંધાવી હતી.

મોડેલે એવો આક્ષેપ કર્યો હતો કે,વિરાજ પટેલે મારી પ્રોફાઇલ પાસ કરી મને ગિફ્ટ સિટીની ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી.મને લોખંડવાલા કોમ્પ્લેક્સમાં રૃ.અઢી કરોડનો ફ્લેટ,મહિને રૃ.૫૦ હજારનો પગાર અને જે દિવસે શૂટિંગ થાય ત્યારે એક દિવસના રૃ.દોઢ લાખ નક્કી કર્યા હતા.

મોડેલે એમ પણ કહ્યું હતું કે,વિરાજ મને માલદીવ લઇ જવાના નામે ગોવા લઇ ગયો હતો અને ત્યાં તેણે ત્રણ દિવસ રાખી બળાત્કાર ગુજાર્યો હતો.આ ઉપરાંત તેણે વડોદરાની હોટલમાં પણ ચાર દિવસ રાખી હતી અને ત્યાં પણ શોષણ કર્યું હતું.

પોલીસે નાક  બચાવવા માહિતી છુપાવી રાખી

સીએમઓના નામે રોફ ઝાડતો આરોપી વડોદરા પોલીસના જાપ્તામાંથી ફરાર થઇ જતાં પોલીસ અધિકારીઓની ઉંઘ ઉડી ગઇ હતી.મોડીરાતે આરોપીને પકડવા માટે પોલીસે ભારે દોડધામ મચાવી હતી.પરંતુ આરોપી હાથમાં આવ્યો નહતો.પોલીસે આ બનાવની માહિતી જાહેર ના થાય તે માટે પણ પ્રયાસ કર્યો હતો.


Google NewsGoogle News