સ્ટાર રેસિડેન્સીના ઠગ બિલ્ડર જયેશ પટેલે જમીન વેચવાના નામે મહિલા પાસે રૃ.૪૨ લાખ પડાવ્યા

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
સ્ટાર રેસિડેન્સીના  ઠગ બિલ્ડર જયેશ પટેલે જમીન વેચવાના નામે મહિલા પાસે રૃ.૪૨ લાખ પડાવ્યા 1 - image

વડોદરાઃ ભાયલીની સ્ટાર રેસિડેન્સીના ઠગ બિલ્ડર જયેશ પટેલ સામે એક પછી એક ફરિયાદો નોંધાઇ રહી છે.જયેશે એક સિનિયર સિટિઝન મહિલાને સાવલીના ખોખર ગામની જમીન વેચવાના નામે રૃ.૪૨.૩૫ લાખ પડાવી છેતરપિંડી કરી હોવાની વધુ એક ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશને નોંધાઇ છે.

વાડી નવાપુરા ખાતે રહેતા સરોજબેન પટેલે પોલીસને કહ્યું છે કે,મારે ગવાસદ ગામની જમીનના દસ્તાવેજ માટે વકીલ નૈનેશભાઇ સાથે પરિચય થયો હતો.તેમણે મને સાવલીના ખોખર ગામે જમીન વેચવાની વાત કરી બિલ્ડર જયેશ નટવરભાઇ પટેલ(માત્રૃ સોસાયટી,ગોત્રીરોડ)નો સંપર્ક કરાવ્યો હતો.ખોખર ગામની ૧૨ વીઘા જમીન પસંદ પડતાં રૃ.૧.૫૦ કરોડમાં સોદો નક્કી કર્યો હતો.

આ જમીન પેટે વચ્ચે રહેલા જયેશ પટેલે રૃ.૪૨.૩૫ લાખ લીધા હતા.પરંતુ દસ્તાવેજ કરી આપતો નહતો.જેથી તપાસ કરતાં ખેડૂતો જમીન વેચવા તૈયાર નહિં હોવાની વિગતો ખૂલી હતી.જેથી મેં જયેશ પાસેથી રૃપિયા પરત માંગતા તેણે બદલામાં ઇન્દ્રાલ ગામની જમીન બતાવી હતી.પરંતુ તેનો પણ સોદો થયો નહતો.

મહિલાએ કહ્યું છે કે,જયેશ પટેલ પાસે વારંવાર રૃપિયા માંગતા તેણે ગોળગોળ જવાબો આપ્યા હતા અને ત્યારબાદ જયેશે ઓફિસમાં આવવાનું  બંધ કર્યું હતું.ગોત્રી પોલીસે આ અંગે જયેશ સામે ગુનો નોંધ્યો છે.


Google NewsGoogle News