Get The App

પથ્થર કાપવાનું કટર ફરી વળતા ગળુ કપાઇ ગયું ઃ કારીગરનું મોત

બારીમાં ગ્રેનાઇટ બેસાડતાં પાલક અચાનક એક સાઇડ પર નમતાં કટર છટક્યું અને ગળા પર ફરી વળ્યું

Updated: May 15th, 2024


Google NewsGoogle News
પથ્થર કાપવાનું કટર ફરી વળતા ગળુ કપાઇ ગયું ઃ કારીગરનું મોત 1 - image

હાલોલ તા.૧૫ હાલોલના કંજરીરોડ પરની એક કન્સ્ટ્રકશન સાઈટ પર ટાઇલ્સ અને પથ્થર ફિટિંગનું કામ કરતા કારીગરના ગળે પથ્થર કાપવાનું કટર ફરી વળતાં કારીગરનું દર્દનાક મોત થયું હતું.

હાલોલ શહેરના કંજરીરોડ પર આવેલી તુલસી વિલાસ સોસાયટીની પાછળ નવી બની રહેલી બાંધકામ સાઈટ પર છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં કદવાલના નવાપુરા ગામે રહેતા અને પથ્થર તેમજ ટાઇલ્સ ફિટિંગનું કામ કરતો કારીગર ગોરધન રતનભાઇ બારીયા સાથી શ્રમજીવી દલપત બારીયા સાથે આજે સાંજે ચાર વાગ્યાના અરસામાં બાંધકામ સાઈટ પર બાંધેલી લાકડાની પાલક પર ઊભા રહી પથ્થર કાપવાનું કટર મશીન ચાલુ કરી પાંચ ફૂટ ઊંચે આવેલી મકાનની બારીમાં ગ્રેનાઈટ પથ્થરનું ચોકઠું ફીટ કરવાની કામગીરી કરતો હતો.

દરમિયાન ગોરધન રતનભાઇ બારીયા જે પાલક પર ઉભો હતો તે પાલક અચાનક એક સાઇડે નમી જતા પાલક પર ઉભા રહેલા ગોરધન બારીયાએ કાબૂ ગુમાવ્યો હતો અને તે હાલકડોલક થઈ જતા હાથમાં રહેલું પથ્થર કાપવાનું કટર મશીન જે ચાલુ હાલતમાં હતું તે હાથમાંથી છટકી ગળા પર ફરી વળતા ગળું કપાઈ ગયું હતું અને જમીન પર પછડાયો હતો.

ગળા પર કટર ફરી વળતા ગળામાંથી એકાએક લોહીની ધાર વહેવા લાગતા આસપાસ કામ કરતા અન્ય મજૂરો તેમજ અન્ય લોકો દોડી આવ્યા હતા અને ગોરધનને હોસ્પિટલમાં ખસેડયા હતાં જ્યાં ડોક્ટરે તેનું મોત નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. 




Google NewsGoogle News