અકોટા દાંડિયા બજાર બ્રિજ પર રેસ લગાવનાર ત્રણ યુવાનોના બૂટેલ ડિટેન
પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશતા ૧૫૧ ભારદારી વાહનો સામે કાર્યવાહી
વડોદરા,અકોટા દાંડિયા બજાર બ્રિજ પર રેસ લગાવતા ૩ બૂલેટ ચાલકો સામે ટ્રાફિક પોલીસે કાર્યવાહી કરી બૂલેટ ડિટેન કર્યા છે. જ્યારે આડેધડ પાર્કિગ કરતા ૨૮ રિક્ષા ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.
શહેરમાં જોખમી રીતે ઓવર સ્પીડમાં વાહનો ચલાવનાર વાહન ચાલકો વિરૃદ્ધ કાર્યવાહી કરવા માટે ટ્રાફિક પોલીસની ટીમે અલગ - અલગ પોઇન્ટ પર સ્પીડ ગનથી કાર્યવાહી કરી હતી. ડીસીપી જ્યોતિ પટેલની સૂચના મુજબ, હાથ ધરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન અકોટા દાંડિયા બજાર બ્રિજ, ફતેગંજ રોડ, એલ અન્ડી ટી સર્કલ, વી.આઇ.પી.રોડ, અટલ બ્રિજ, અલકાપુરી રોડ સહિતના પોઇન્ટ પરથી ૭૪૭ વાહન ચાલકો ઓવર સ્પીડમાં વાહન ચલાવતા ટ્રેસ થયા હતા. જ્યારે પ્રતિબંધિત સમય દરમિયાન શહેરમાં પ્રવેશતા ૧૫૧ ભારદારી વાહન ચાલકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જ્યારે અકોટા દાંડિયા બજાર બ્રિજ પર બૂલેટની રેસ લગાવનાર ત્રણ બૂલેટ ચાલકો સામે કાર્યવાહી કરી બૂલેટ ડિટેન કરવામાં આવ્યા છે. તે ઉપરાંત રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, કડક બજાર નાકા પાસે આડેધડ પાર્કિંગ કરતા ૨૮ રિક્ષા ચાલકો સામે પણ દંડની કામગીરી કરવામાં આવી છે.