આંકલાવમાં મારામારીના કેસમાં ૩ શખ્સોને ત્રણ વર્ષની સખત કેદ
એક આરોપીને એક વર્ષની સાદી જેલ
વર્ષ ૨૦૧૩માં ચાર શખ્સોએ આસોદર-વાસદ રોડ ઉપર બે ભાઈઓ પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો
આણંદ: આસોદર-વાસદ રોડ ઉપર ઓગસ્ટ ૨૦૧૩માં બે ભાઈઓ ઉપર ચાર શખ્સોએ ધારિયા, લોખંડની ટોમી, સળીયા અને લાકડાના ડંડા વડે હુમલો કર્યો હતો. આ અંગેનો કેસ તાજેતરમાં ચાલી જતાં જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, આંકલાવ કોર્ટે ચારેય આરોપીઓને તકસીરવાન ઠેરવી ત્રણ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદની સજા અને એક આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
આંકલાવના આસોદર ગામે લક્ષ્મીપુરા ગામે રહેતા વિજયભાઈ ચંદુભાઈ સોલંકી અને અશોકકુમાર ચંદુભાઈ સોલંકી તા. ૨૪ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ રાત્રે આઠ વાગ્યે આસોદર-વાસદ રોડ ઉપર લક્ષ્મીપુરા જવાના વળાંક પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બંને ભાઈઓએ દિનેશભાઈ કાભઈભાઈ સોલંકી, ચીમનભાઈ માનાભાઈ સોલંકી, અજયકુમાર ભાઈલાલભાઈ સોલંકી અને કીરીટકુમાર રમેશભાઈ સોલંકીને વળાંક આવતા નવા બોર્ડ કેમ લઈ ગયા છો તેમ કહી ઝઘડો કર્યો હતો. બીજા દિવસે બંને ભાઈઓ રાત્રે ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અગાઉના ઝઘડાની રીસ રાખી ચારેય શખ્સોએ બંને ભાઈઓ ઉપર લોખંડની ટોમી, સળીયા, લાકડાના ડંડા અને ધારિયાથી હુમલો કરી નાસી છુટયા હતા. આ અંગે ચંદુભાઈ રામાભાઈ સોલંકીએ આંકલાવ પોલીસ મથકે છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, આંકલાવની કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં જજ અભિનવ મુદગલે ચારેય શખ્સોને તકસીરવાન ઠેરવ્યા હતા અને દિનેશભાઈ કાભઈભાઈ સોલંકી, ચીમનભાઈ માનાભાઈ સોલંકી અને અજયકુમાર ભાઈલાલભાઈ સોલંકીને ત્રણ વર્ષની સખત કેદની સજા અને કીરીટકુમાર રમેશભાઈ સોલંકીને એક વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. તેમજ દરેક આરોપીને ૧૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત રૂ. ૪૦ હજાર ફરિયાદીને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.