મકાનમાંથી વાયરોની ચોરી કરનાર ત્રણ મહિલા ઝડપાઇ

ત્રણ મહિલાઓ પાસેથી ૧૪ હજારના વાયરો કબજે લેતી પોલીસ

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
મકાનમાંથી વાયરોની ચોરી કરનાર ત્રણ મહિલા ઝડપાઇ 1 - image

વડોદરા.નવા બંધાતા મકાનમાંથી લાઇટ ફિટિંગના વાયરોની ચોરી કરનાર ત્રણ મહિલાઓને કારેલીબાગ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બાજવાડા ઘનશ્યામ ભુવન માં રહેતા રામકિશોર કેસુલાલ નાગોરીની પરમહંસ સેલ્સ એજન્સી નામની દુકાન મકાનની નીચેના ભાગે છે. કારેલીબાગ જિલ્લા શિક્ષણ તાલીમ કચેરીની સામે આવેલી નિવૃત્ત કોલોનીમાં તેમણે નવું મકાન બનાવ્યું છે. જે મકાનમાં વાયરીંગનું કામ કર્યું હતું, પરંતુ લાઈટ કનેક્શન નહતું. ગત ૧૬ મી તારીખે સાંજે નિવૃત્ત કોલોનીનું મકાન બંધ કરીને તેઓ ઘરે આવ્યા હતા. બીજે દિવસે  સવારે તેઓ મકાને ગયા ત્યારે જોતા લાઈટ ના વાયરીંગમાં લગાવેલા વાયરો જણાયા નહતા. કોઈ ચોર ૧.૦૩ લાખની કિંમતના વાયરો ચોરી ગયો હતો. જે અંગે કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. દરમિયાન કારેલીબાગ પોલીસ સ્ટેશનના  પી.આઇ. આર.સી.જાદવે તપાસ હાથ ધરતા માહિતી મળી હતી કે, ત્રણ મહિલાઓ પ્લાસ્ટિકની મોટી થેલીમાં કોપરના વાયરો ભરીને વેચવા માટે ફરી રહી છે. ખાસવાડી સ્મશાનવાળા રોડ  પરથી પોલીસે ત્રણ મહિલાઓને ઝડપી પાડી હતી.પૂછપરછ દરમિયાન તેઓએ ઉપરોક્ત ચોરીની કબૂલાત કરી હતી. જેથી, પોલીસે (૧) કંચનબેન અશોકભાઇ દંતાણી (૨) અનિતાબેન લાધુભાઇ દંતાણી તથા (૩) તેજલ મહેશભાઇ દંતાણી ( ત્રણેય રહે. લક્ષ્મીપુરા રોડ, ઝૂંપડામાં) ની ધરપકડ કરી ૧૪,૦૫૦ ની કિંમતના વાયરો કબજે કર્યા હતા.


Google NewsGoogle News