રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કાળઝાળ ગરમીમાં પરેડ ઃ ત્રણ મહિલા પોલીસ ચક્કરથી ઢળી પડી
એક મહિલા કોન્સ્ટેબલને હાથે ફેક્ચર થઇ ગયું ઃ જબરજસ્તી પરેડ કરાવવા મજબૂર કરાતી હોવાની બૂમ
વડોદરા, તા.23 કોઠી વિસ્તારમાં આવેલા રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં કાળઝાળ ગરમીમાં પણ પોલીસ જવાનો પાસે પરેડ કરાવાતા ગઇકાલે ત્રણ મહિલાને ચક્કર આવતાં મેદાનમાં જ ઢળી પડી હતી. એક મહિલા કોન્સ્ટેબલને તો હાથમાં ફેક્ચર થઇ જતાં હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.
ઉલ્લેખનીય છે કે રેલવે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કેટલાંક કર્મચારીઓના કારણે પોલીસ કર્મચારીઓ હેરાન પરેશાન થઇ ગયા છે. ખાસ કરીને નવી ભરતીમાં આવેલી પોલીસને હેરાન કરવામાં કશું બાકી રાખતા નથી તેવો ગણગણાટ રેલવે પોલીસમાં થઇ રહ્યો છે. હાલમાં વડોદરા શહેર તેમજ ગ્રામ્ય પોલીસમાં ગરમીના દિવસોમાં પરેડ આંશિક રીતે બંધ કરી દેવામાં આવી છે પરંતુ રેલવે પોલીસમાં જ પરેડ ચાલુ રાખવામાં આવી છે.
રોજ સવારે સાતથી નવ વાગ્યા સુધી પરેડ લેવામાં આવે છે અને તે માટે તેનો કડક અમલ થાય તેવો જબરજસ્તીથી આગ્રહ રાખવામાં આવે છે. ગઇકાલે સવારે સાત વાગે પરેડ ચાલુ થઇ ત્યારે ત્રણ મહિલા કોન્સ્ટેબલોને ચક્કર આવતાં અચાનક જમીન પર ઢળી પડી હતી. એક મહિલા કોન્સ્ટેબલને હાથમાં ફેક્ચર થઇ જતા તેને સારવાર કરાવવી પડી હતી.
આટલી ગરમીમાં પણ હળવી પરેડના બદલે ભારે પરેડ કરાવાતા પોલીસ કર્મચારીઓમાં કચવાટ ઉભો થયો છે. પરેડનું સંચાલન કરનારા કેટલાંક તો અભદ્ર ભાષાનો પણ પ્રયોગ કરતા હોવાની બૂમો મહિલા કોન્સ્ટેબલોમાં ઉઠી છે.