આજવા ચોકડી પાસે દારૃ ભરેલી પીકઅપ વાન લઇને ઉભેલા ત્રણ ઝડપાયા
૩.૨૬ લાખના દારૃ સહિત ૭.૧૨ લાખનો મુદ્દામાલ કબજે
વડોદરા,આજવા ચોકડી પાસે દારૃ ભરેલી પીકઅપ વાન લઇને ઉભેલા ત્રણ આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડી ૩.૨૬ લાખનો દારૃ કબજે કર્યો છે. જ્યારે છાણી એકતાનગરમાં દારૃ વેચતા આરોપીને ૧ લાખના દારૃ સાથે ઝડપી પાડયો છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, છાણી એકતા નગરમાં રહેતો ઇકબાલ ઉર્ફે બબલૂ લિયાકતઅલી સૈયદ બહારથી વિદેશી દારૃ લાવીને પોતાના માણસ સહેજાદ ઉર્ફે સેઝુ શેખને રાખી વેચાણ કરે છે. હાલમાં સહેજાદ ભૂખી નદીના કાંસ પાસે આવેલા મેદાનમાંથી વિદેશી દારૃનો જથ્થો મોપેડમાં ભરી રહ્યો છે. તેમજ દારૃનો બીજો જથ્થો કારમાં છે. જેથી, પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ સ્ટાફે ઉપરોક્ત સ્થળે રેડ કરીને સહેજાદ અલ્લારખા શેખ ( રહે. એકતા નગર મસ્જિદ પાસે, છાણી જકાતનાકા) ને ઝડપી પાડયો હતો. જ્યારે ઇકબાલને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દારૃની ૮૯૯ બોટલ કિંમત રૃપિયા ૧ લાખનો કબજે કર્યો છે. જ્યારે કાર, મોપેડ, રોકડા અને મોબાઇલ મળી કુલ રૃપિયા ૩.૭૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
જ્યારે અન્ય એક બનાવમાં પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, આજવા ચોકડી બ્રિજ ઉતરી ગોલ્ડન ચોકડી તરફ જતા રોડ પર એક પીકઅપ વાન ઉભી છે.જેમાં દારૃ છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા દારૃ ભરેલી પીકઅપ વાન મળી આવી હતી. પોલીસે આરોપી શંતુ લલનભાઇ યાદવ ( રહે. કાસમ નગર,પાલઘર, મહારાષ્ટ્ર), સુનિતા હેમંતભાઇ પરદેશી ( રહે. પાણીગેટ કહાર મહોલ્લો, મૂળ રહે.કેદારનાથ એપાર્ટમેન્ટ, અડાજણ, સુરત) તથા કિશોર પોપટભાઇ તાઇડે (રહે. હરણખાના રોડ, પાણીગેટ) ઝડપાઇ ગયા હતા. પોલીસે દારૃની ૧,૮૨૪ બોટલ કિંમત રૃપિયા ૩.૨૬ લાખ, મોપેડ, પીકઅપ વાન, રોકડા તથા મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૭.૧૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.