યુનિવર્સિટીની બોયઝ હોસ્ટેલ બહાર ત્રણ વિદ્યાર્થીઓએ હેડકોન્સ્ટેબલને પાડી લાતો અને મુ્કકા માર્યા
વડોદરાઃ એમ એસ યુનિ.ની બોયઝ હોસ્ટેલની બહાર ગઇરાતે ઝઘડી રહેલા વિદ્યાર્થીઓને છોડાવવા ગયેલી સયાજીગંજ પોલીસ સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી.જે પૈકી એક હેડકોન્સ્ટેબલને લાતો અને મુક્કા વડે માર મારવામાં આવ્યો હતો.
યુનિ.ની બોયઝ હોસ્ટેલની બહાર કેટલાક વિદ્યાર્થીઓ ઝઘડો કરી રહ્યા હોવાનો મેસેજ પોલીસ કંટ્રોલ દ્વારા અપાતાં સયાજીગંજ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ દિપકભાઇ જબ્બારસિંહ અને સ્ટાફના માણસો દોડી ગયા હતા.
આ વખતે વિદ્યાર્થીઓ અંદરોદર ઝઘડી રહ્યા હતા.એક બાઇક વચ્ચોવચ્ચ પડયંુ હોવાથી હેડકોન્સ્ટેબલે બાઇક કોનું છે,રસ્તામાંથી ખસેડી લો તેમ કહેતાં ધુ્રવિત દવેએ બોલાચાલી કરી હતી.દિપકભાઇએ અમે પોલીસ છીએ તેમ કહેતાં ધુ્રવિતે પોલીસ છો તો શું થઇ ગયું તેમ કહી મોંઢે મુક્કો મારતાં ચશ્મા તૂટી ગયા હતા.ત્યારબાદ ધુ્રવિત અને તેના બે મિત્રોએ હેડકોન્સ્ટેબલને પાડી દઇ લાતો અને મુક્કા માર્યા હતા.
અન્ય પોલીસ કર્મીઓ દોડી આવતાં તેમની સાથે પણ ઝપાઝપી કરવામાં આવી હતી.પોલીસે ત્રણ હુમલાખોર પાસે તેમના નામ ઠામની માહિતી મેળવી હતી.આ બનાવ અંગે પોલીસે આજે બપોર બાદ ધુ્રવિત લલિતભાઇ દવે(સંકેત પીજી બોયઝ હોસ્ટેલ, ફતેગંજ મૂળ જામ કંડોરણા,રાજકોટ),પ્રદ્મસિહ ઇન્દ્રજિતસિંહ સોઢા(મહર્ષિ અરવિંદ હોલ,એમ એસયુ,મૂળ ભૂજ) અને યશરાજસિંહ મહાવીરસિંહ વાળા(ગેંડા સર્કલ પાસે, વડોદરા, મૂળ સાંતવડી,રાજકોટ) સામે ગુનો નોંધ્યો છે.