સ્ટેશન વિસ્તારમાં લારીવાળાને ઢસડી જનાર ત્રણ પોલીસ જવાન જેલમાં રવાના
વડોદરાઃ રેલવે સ્ટેશન વિસ્તારમાં મધરાતે લારી ચાલુ રાખનાર મૂળ બિહારના વતની અને સયાજીગંજમાં રહેતા શ્રમજીવી યુવકને માર મારી વાન સાથે ઢસડી જનાર ત્રણ પોલીસવાળાને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૭ બહાર લારી ચાલુ રાખનાર મો.ફૈઝાનની લારી બંધ કરાવવા ગયેલી સયાજીગંજ પોલીસની પીસીઆર વાનના કર્મચારીઓ અને લારીવાળા વચ્ચે ઝપાઝપી થતાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઇ હતી.જેમાં લારીવાળાને લાકડી વડે માર મારીને વાન સાથે ઢસડી જવાતાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આ બનાવમાં સયાજીગંજ પોલીસે એલઆરડી મોહંમદ મુબશશિર મોહંમદ સલીમ,રઘુવીર ભરતભાઇ અને કિશન નટવર ભાઇ પરમારની હત્યાના પ્રયાસ બદલ ધરપકડ કરી હતી.ત્રણેયના રિમાન્ડ પુરા થતાં આજે કોર્ટે તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે.
બીજીતરફ ડીસીપી દ્વારા ઉપરોક્ત બનાવની ખાતાકીય રાહે પણ તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ દ્વારા સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા છે.જ્યારે,પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની પણ તજવીજ કરવામાં આવી હોવાની માહિતી મળી છે.
પોલીસની લારી-ગલ્લા ધારકો સાથે મીટિંગ,રાતે 11વાગે લારી બંધ કરવા અપીલ
જુદા જુદા પોલીસ સ્ટેશનોના અધિકારીઓ દ્વારા લારી-ગલ્લા ધારકો સાથે મીટિંગ કરીને રાતે ૧૧ વાગે ધંધા બંધ કરી સહયોગ આપવા અપીલ કરવામાં આવી છે.
સયાજીગંજમાં પોલીસ અને લારીવાળા વચ્ચે તકરાર થયા બાદ લારીવાળો પોલીસ વાન સાથે ઢસડાયો હોવાના બનેલા બનાવ બાદ આવા બનાવો ના બને તે માટે પોલીસ કમિશનરે તમામ અધિકારીઓને તેમના વિસ્તારમાં લારી-ગલ્લા ધારકો સાથે સંકલન કરવા સૂચના આપી હતી.
પોલીસ દ્વારા જુદાજુદા વિસ્તારોમાં લારી ગલ્લા ધારકો સાથે મીટિંગ કરવામાં આવી રહી છે.તેમને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાતે ૧૧ વાગે લારીઓ બંધ કરવા તેમજ કોઇ પીધેલા આવે તો તરત જ પોલીસને જાણ કરવા અપીલ કરી છે.