ખંભાલી અને કણજરીમાંથી વિદેશી દારૂ સાથે ત્રણ શખ્સો પકડાયા
ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો
બે દરોડામાં કુલ ૧૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો
નડિયાદ: ખેડા જિલ્લાના બે સ્થળોએ જે-તે પોલીસે દરોડો પાડીને દારૂ પકડયો હતો. મહેમદાવાદ તાલુકાના ખંભાલી ગોકુળપુરા સીમમાંમાંથી એક શખ્સને ૨૦ નંગ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપી પાડયો હતો. આ દારૂનો જથ્થો કમળાના શખ્સ પાસેથી મેળવ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ કણજરી ગામેથી ૨૭ બોટલ દારૂ સાથે બે શખ્સો ઝડપાઈ ગયા હતા. કુલ ૧૨ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી અનુક્રમે મહેમદાવાદ પોલીસ અને વડતાલ પોલીસે કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહેમદાવાદ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે, ખંભાલી ગોકુળપુરા વિસ્તારમાં રહેતા કિશનકુમાર ભીખાભાઈ રાઠોડ પોતાના ઘરે છૂટક વિદેશી દારૂનું વેચાણ કરે છે. જેના આધારે પોલીસે દરોડો પાડી કિશન રાઠોડને ઝડપી પાડયો હતો.
પોલીસે તેની પાસેની પ્લાસ્ટિક થેલીમાં તપાસ કરતા વિદેશી દારૂની ૭૫૦ મી.લી. બોટલ નંગ ૨૦ કિંમત રૂ. ૧૦ હજારનો જથ્થો અને અંગજડતી કરતા રૂ. ૨૦૦ રોકડા મળી આવ્યા હતા. આ અંગે તેની પૂછપરછ કરતા આ દારૂનો જથ્થો કમળાના આશિષ અનિલભાઈ સોલંકીએ આપેલો હોવાનું જણાવ્યું હતું. જેથી મહેમદાવાદ પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
જ્યારે વડતાલ પોલીસને પેટ્રોલિંગ દરમિયાન કણજરી ચોકડી પાસે આવતાં બાતમી મળી હતી કે, એક શખ્સ કણજરી અમૂલ દાણની ફેક્ટરી પાસે આવેલા કાંસ ઉપર છાપરામાં વિદેશી દારૂની બોટલ લઇ ઉભો છે. જેના આધારે દરોડો પાડી શખ્સને ઝડપી પાડયો હતો.
તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અખ્તર ઉર્ફ દાઉદ ઈલિયાસભાઈ મલેક (રહે.હુસેની ચોક, વડ સામે, કણજરી) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેની થેલીમાંથી વિદેશી દારૂની નાનીમોટી બોટલ નંગ ૧૪ કિંમત રૂ. ૧,૪૦૦ તથા અંગજડતી દરમિયાન એક મોબાઇલ કબજે કર્યો હતો.
વધુ પૂછપરછમાં આ દારૂ હુસેની ચોકમાં રહેતા સોહીલ ઉર્ફ બિરયાની ફારૂક ભાઈ શેખ (રહે. કણજરી) પાસેથી લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેને ખાનગી વાહનમાં બેસાડી સોહિલ શેખની અટકાયત કરી ઘર સર્ચ કરતા પલંગ નીચે પ્લાસ્ટિકમાં સંતાડેલો વિદેશી દારૂ નાં ક્વાર્ટર નંગ ૧૩ મળી આવ્યા હતા. જેની કિંમત રૂ. ૧,૩૦૦ તથા તેના પેન્ટ માંથી એક મોબાઇલ મળી આવતા કબજે કર્યા હતા. વડતાલ પોલીસે બંને શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.