મહેસાણાના અંતરિયાળ ગામોની સીમમાંથી ઓનલાઇન ઠગાઇનું નેટવર્ક,વધુ ત્રણ પકડાયાઃબે કાર કબજે
વડોદરાઃ ઓનલાઇન ટ્રેડ માટે બોગસ નામે સિમકાર્ડ કઢાવી શેરબજારમાં ઉંચુ વળતર અપાવવાના નામે લોકો સાથે ઠગાઇ કરતી ગેંગના વધુ ત્રણ સાગરીતો ઝડપાયા છે.તેઓની પાસે બે કાર અને ત્રણ મોબાઇલ કબજે કરવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,શેરબજારમાં ઉંચુ વળતર અપાવવાના નામો ઇન્વેસ્ટર મેનેજર તરીકે વાત કરી શરૃઆતમાં રૃપિયા જમા કરાવી મોટી રકમ હડપ કરી લેતી ગેંગના ચક્કરમાં વડોદરાના પ્રવિણભાઇ વરાટે રૃ.૧૨લાખ ગુમાવતાં સાયબર સેલમાં ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસે અગાઉ આ પ્રકરણમાં જુદીજુદી રીતે ગ્રાહકોના ડેટા અને પુરાવા એકત્રિત કરી ૪૦૦૦ થી વધુ ડમી સિમકાર્ડ કઢાવનાર ગેંગના ત્રણ સાગરીતને ઝડપી પાડયા હતા.ઠગ ટોળકી સાથે બીજા પણ અનેક લોકો સંકળાયેલા હોવાની વિગતો ખૂલી હતી.
જેથી સાયબર સેલના એસીપી હાર્દિક માંકડિયા અને ટીમે ગ્રાહકોને ફોન કરી ઉંચુ વળતર અપાવવાની ઓફરમાં ફસાવતા વધુ ત્રણ સાગરીતને ઝડપી પાડયા છે.આ ગેંગ મહેસાણાના અંતરિયાળ ગામની સીમમાં વેરાન સ્થળેથી નેટવર્ક ચલાવતી હોવાની વિગતો બહાર આવી છે.
પોલીસે પકડેલાઓમાં(૧) વિક્રમ બકાજી ઠાકોર,ધોરણ-૧૨(રહે.સુલીપુર,મહેસાણા) (૨) કનુજી રઘુજી ઠાકોર,ધોરણ-૧૨(સુલીપુર, મહેસાણા) અને (૩) અલ્પેશ પરબતજી ઠાકોર,અન્ડર ગ્રેજ્યુએટ( ફતેહપુરા,મહેસાણા)નો સમાવેશ થાય છે.