માર્ગ અકસ્માતના ત્રણ બનાવમાં બે સિનિયર સિટિઝન સહિત ત્રણના મોત
હાઇવે પર એલ એન્ડ ટી કંપની નજીક વાહનની અડફેટે યુવાન છુંદાઇ જતા મોત
વડોદરા,આજવા ચોકડીથી વાઘોડિયા ચોકડી વચ્ચે હાઇવે પર, રણોલી, તથા છાણી જકાતનાકા ટીપી - ૧૩ પાણીની ટાંકી નજીક થયેલા અકસ્માતમાં બે સિનિયર સિટિઝન સહિત ત્રણના મોત થયા છે.
બાપોદ પોલીસને કંટ્રોલ રૃમ તરફથી માહિતી મળી હતી કે, આજવા રોડથી વાઘોડિયા બ્રિજ તરફ જતા એલ એન્ડ ટીથી થોડે દૂર હાઇવે પર અકસ્માતમાં એકનું મોત થયું છે. જેથી, પોલીસે સ્થળ પર જઇને તપાસ કરી તો અમદાવાદથી સુરત તરફ જતા રોડ પર એક અજાણ્યો શ્રમજીવી મરણ હાલતમાં હતો. કોઇ અજાણ્યા વાહન ચાલકે તેના શરીર પર વાહન ચઢાવી દેતા તેનું મોંઢું તથા છાતી છુંદાઇ ગયા હતા. બાપોદ પોલીસે મરણ જનારની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે.
અન્ય એક બનાવની વિગત એવી છે કે, છાણી જકાતનાકા ટીપી - ૧૩ નજીક ગાયત્રી ધામ સોસાયટીમાં રહેતા ૭૧ વર્ષના ભદુરભાઇ સોમાભાઇ વણકર રેલવેમાં નોકરી કરતા હતા. હાલમાં તેઓ નિવૃત્ત જીવન ગુજારે છે. આજે સવારે તેઓ ઘરેથી ચાલતા નીકળ્યા હતા. ટીપી - ૧૩ છાણી જકાતનાકા પાણીની ટાંકી પાસેથી તેઓ જતા હતા. તે દરમિયાન કાર ચાલકે તેઓને ટક્કર મારતા તેઓને માથાના ભાગે ઇજા થઇ હતી.કાર ચાલક તેની જ કારમાં ઇજાગ્રસ્ત ભુદરભાઇને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ, તેઓનો જીવ બચ્યો નહતો. જે અંગે ફતેગંજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અન્ય એક બનાવની વિગત એવી છે કે, દશરથ ગામ માતાજીવાળા ફળિયામાં રહેતા ૭૦ વર્ષના હરમાનભાઇ છીતાભાઇ ચૌહાણ ગત તા.૨૮મી એ રણોલી જી.આઇ.ડી.સી.માં નોકરી પર જતા હતા. તે સમયે અજાણ્યા વાહન ચાલકે તેઓને પાછળથી ટક્કર મારતા માથામાં ગંભીર ઇજા થઇ હતી. તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેઓનું સારવાર દરમિયાન ગઇકાલે મોત થયું હતું. જે અંગે જવાહર નગર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.