મોડીરાતે રિક્ષા ડ્રાઇવર પર હુમલો કરી લૂંટ ચલાવનાર યુવતી સહિત ત્રણ ઝડપાયા
રિક્ષા ડ્રાઇવર પાસેથી પ૦૦ તથા અન્ય પાસેથી રોકડા ૪ હજાર લૂંટી લીધા
વડોદરા,સયાજીગંજ વિસ્તારમાં ગઇકાલે રાતે રિક્ષા ડ્રાઇવર સહિત બે વ્યક્તિઓ પર હુમલો કરી લૂંટ ચલાવનાર બે યુવક અને એક યુવતીને સયાજીગંજ પોલીસે ઝડપી પાડયા છે. પોલીસ તેઓની પાસેથી રિક્ષા અને રોકડા રૃપિયા કબજે લઇ વધુ તપાસ હાથ ધરી છે.
દિવાળીપુરા અંબિકા નગરમાં રહેતા રિક્ષા ડ્રાઇવર ભાવેશ જીવણભાઇ ભરવાડે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા.૧૮ મી એ રાતે હું મારી રિક્ષા લઇને રાતે નીકળ્યો હતો. મનિષા ચોકડીથી રિક્ષામાં મુસાફરોને બેસાડીને વડોદરા રેલવે સ્ટેશન આવ્યો હતો. મુસાફરોને ત્યાં ઉતારીને એક્સપેરિમેન્ટલ સ્કૂલના ગેટ પાસે રાતે એક વાગ્યે આવીને રિક્ષા ઉભી રાખી હતી. અંધારામાં હું લઘુશંકા માટે ગયો હતો. તે દરમિયાન બે યુવક અને એક યુવતી દોડીને મારી પાસે આવ્યા હતા. એક આરોપીના હાથમાં ડંડો હતો. તેણે મને કહ્યું કે, તારી પાસે જે રૃપિયા હોય તે આપી દે. મેં કહ્યું કે, શા માટે રૃપિયા આપું ? ત્રણેયે ઉશ્કેરાઇને મને માર માર્યો હતો. એક આરોપીએ મારી પીઠ પર ડંડો માર્યો હતો. બીજાએ પાછળથી આવી મારા હાથ પકડી લીધા હતા. તેઓએ મારા ખિસ્સામાંથી રોકડા ૫૦૦ તેમજ મોબાઇલ ફોન કાઢી લીધા હતા. આરોપીઓ પેૈકી એકને મેં ઓળખી કાઢ્યો હતો. તે અમારા વિસ્તારમાં અવાર - નવાર ફરતો રાહુલ હતો. ત્યારબાદ ત્રણેય આરોપીઓ મારી રિક્ષા લઇને ભાગી ગયા હતા. હું ગભરાઇને રેલવે સ્ટેશન તરફ આવ્યો હતો. તે દરમિયાન ત્યાં હાજર લોકોએ મને કહ્યું કે, આ ત્રણેય જણાએ આ જ રીતે સુરેશભાઇ પર હુમલો કરીને ૪ હજાર લૂંટી લીધા છે. સુરેશભાઇએ જણાવ્યું હતું કે, બે છોકરા તથા એક છોકરીએ મને લાકડી વડે માર મારી મારા રૃપિયા લૂંટી લીધા હતા. સયાજીગંજ પોલીસ સ્ટેશનના પી.આઇ. એન.જે.સોહાગીયાએ (૧) રાહુલ પ્રવિણસિંહ રાઠોડ ( રહે. દિવાળીપુરા) (૨) રૃપસીંગ વાલજીભાઇ મીઠાપુરા ( રહે. મનિષા ચોકડી પાસે) તથા (૩) કવિતા વિમલેશભાઇ કાળે (રહે. સ્ટેશન નજીક,સયાજીગંજ) ને ઝડપી પાડયા છે. પોલીસે તેઓની પાસેથી તમામ મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે.