શટલ રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં લૂંટ ચલાવતી ટોળકીના ત્રણ ઝડપાયા
મોબાઇલ ફોન અને રોકડા કબજે : અન્ય ગુના આચર્યા હોવાની શંકા
વડોદરા,શટલ રિક્ષામાં મુસાફરોના સ્વાંગમાં બેસીને અન્ય મુસાફરને ધમકાવી લૂંટ કરતી ગેંગના ત્રણ સાગરિતોને ડીસીબી પોલીસે ઝડપી પાડયા છે. આરોપીઓએ અન્ય પણ ગુના કર્યા હોવાની શંકાના આધારે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે.
વરસાડા ગામ ઇંટોલા રેલવે સ્ટેશનની સામે રાજકૃપા સોસાયટીમાં રહેતો રોનક વસાવા મંજુસર જી.આઇ.ડી.સી.માં કેમિકલ કંપનીમાં નોકરી કરે છે. ગત તા. ૪ થી તારીખે હં સવારે સાડા નવ વાગ્યે નોકરી પર ગયો હતો. કામ વધારે હોવાથી મને કંપનીમાં મોડું થયું હતું. નોકરીથી છૂટીને હું મારી સાથે નોકરી કરતા ધર્મેશભાઇ વસાવાની બાઇક પર બેસીને આજવા ચોકડી આવ્યો હતો. રાતે સવા નવ વાગ્યે આજવા ચોકડીથી પોર તરફ જતા રોડ પર એક રિક્ષામાં ત્રણ મુસાફરો બેઠા હતા. મારે પોર જવાનું હોવાથી હું રિક્ષામાં બેઠો હતો. રિક્ષા ચાલકે વાઘોડિયા રોડ પર ખટંબા ગામ પાસે મુસાફરને ઉતારવાનું બહાનું બતાવી રિક્ષા તે તરફ લીધી હતી. ત્યાં રિક્ષા ઉભી રાખી મને પકડી લઇ રિક્ષામાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા આરોપીઓએ મારો મોબાઇલ અને પર્સ લૂંટી લઇ મને ધક્કો મારી પાડી દીધો હતો. મારી નોકરીનો રોજનો રસ્તો હોવાથી તેઓના ડરથી હું ફરિયાદ આપવા આવ્યો નહતો. દરમિયાન ડીસીબી પોલીસે આ ગુનામાં સંડોવાયેલા (૧) સુફિયાન અખ્તરહુસેન શેખ (૨) જાવીદખાન યુસુફખાન પઠાણ ( બંને રહે. એકતા નગર, આજવા રોડ) તથા (૩) શાહરૃખ અજીમભાઇ શેખ ( રહે.ખાટકીવાડ, વાડી) ને ઝડપી પાડયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રિક્ષા, મોબાઇલ અને રોકડા ૨,૧૬૫ મળી કુલ રૃપિયા ૭૮,૧૬૫ નો મુદ્દામાલ કબજે કર્યો છે.