સયાજીમાં કોરોનાના નવા ત્રણ દર્દીઓ સારવાર હેઠળ
બે દર્દીઓનો સ્વાઇન ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
વડોદરા,ઋતુ બદલાતાની સાથે જ શહેરમાં કફ જન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. સયાજી હોસ્પિટલમાં શરદી કફની તકલીફ સાથે દાખલ થયેલા પાંચ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ગોત્રી હોસ્પિટલમાં બે દર્દીઓ કોરોનાની સારવાર બાદ સાજા થઇ જતા તેઓને રજા આપવામાં આવી છે.
શહેરમાં કોરોનાના નવા કેસ નોંધાઇ રહ્યા છે. જોકે, કોરોનાના દર્દીઓની હાલત ગંભીર નથી. ગયા અઠવાડિયે ગોત્રી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયેલા બે દર્દીઓની તબિયત સુધરતા તેઓને રજા આપી દેવામાં આવી છે. જ્યારે સયાજી હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાની સારવાર લેતા ત્રણ દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા આઇસોલેશન વોર્ડમાં તેઓની સારવાર શરૃ કરવામાં આવી છે. આજે છાણી જકાતનાકા વિસ્તારના ૪૫ વર્ષના આધેડ, આજવા રોડ લકુલેશ નગરના ૫૯ વર્ષના વૃદ્ધ તથા નવાયાર્ડના ૬૫ વર્ષના નવા દર્દીઓ પોઝિટિવ મળી આવ્યા હતા. જ્યારે શહેર નજીકના એક ગામના ૭૧ વર્ષના વૃદ્ધ તથા નવાયાર્ડના ૬૯ વર્ષના વૃદ્ધના સ્વાઇન ફ્લૂના દર્દીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.