વિદેશ મોકલવાના નામે ઠગાઇ કરનાર સાંઇ કન્સલટન્સીના પિતા-પુત્ર સામે વધુ 3 ફરિયાદ
વડોદરાઃ વિદેશ મોકલવાના નામે યુવક-યુવતીઓ પાસે રૃપિયા પડાવનાર નિઝામપુરાની સાંઇ કન્સલટન્સીના સંચાલક પિતા-પુત્ર સામે વધુ ત્રણ ફરિયાદ નોંધાઇ છે.જેમાં ત્રણેય જણાએ કુલ રૃ.૨૦ લાખ ગુમાવ્યા છે.
નિઝામપુરાના કૃણાલ કોમ્પ્લેક્સમાં સાંઇ કન્સલટન્સીના નામે લોકોને વિદેશ મોકલવાની ખાતરી આપતા રાજેન્દ્ર મનહરલાલ શાહ અને તેના પુત્ર રીંકેશ રાજેન્દ્ર શાહ(બંને રહે.ક્રિષ્ણા એરવિંગ,હરણી-સમા લિન્ક રોડ) સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદો નોંધાતા તેમની ધરપકડ કરવામાં આવી હતી.
બંને પિતા-પુત્ર વિદેશ જવા માંગતા યુવક-યુવતીઓને વિદેશમાં વર્ક પરમિટ અપાવવાની ખાતરી આપી નક્કી કરેલી રકમ પૈકી અડધી રકમ વિદેશમાં ગયા પછી ચૂકવવાની સવલત આપી વિશ્વાસમાં લેતા હતા.પરંતુ ત્યારબાદ તેઓ ઓફિસ બંધ કરીને ફરાર થઇ ગયા હતા.બંનેની ચુંગાલમાં ૮૭ જેટલા લોકોએ રૃ.૪.૩૫ કરોડ જેટલી રકમ ગુમાવી હોવાની વિગતો બહાર આવી હતી.
બંને ઠગ સામે વધુ ત્રણ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.જેમાં છાણી કેનાલ પાસે શ્યામ હાઇટ્સમાં રહેતા કલ્પેશ વાઘેલાએ રૃ.૮ લાખ,નિઝામપુરામાં રહેતા લતાબેન પટેલના પુત્ર પાર્થ પાસે રૃ.૬ લાખ અને છાણી જકાત નાકાની મેઘધનુષ્ય સોસાયટીમાં રહેતા સ્ટેની ડાભી પાસે રૃ.૬લાખ પડાવતાં બંનેની સામે ગુના નોંધાયા છે.