ગોઝારા અકસ્માતમાં જીતપુરાના એક જ પરિવારના ત્રણ સભ્યોએ જીવ ગુમાવ્યો
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે
અમદાવાદ બિમાર બહેનની તબિયત જોવા જતાં દંપતી અને પુત્રના મોત, ઘરે રહેલી બે પુત્રી નિરાધાર બની
ગોધરા: અમદાવાદ - વડોદરા એક્સપ્રેસ હાઈવે પર નડિયાદ પાસે ગઈકાલે ઊભા રહેલા ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ૧૦ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં, જેમાં મૂળ ગોધરા તાલુકાના જીતપુરાના રહેવાસી અને છેલ્લા ૨૫ વર્ષથી વાપી ખાતે સ્થાયી થયેલા દંપતી અને પુત્રના મોત થતાં પરિવાર પર આભ તૂટી પડયું હતું.
મૂળ ગોધરા તાલુકાના જીતપુરા ગામે રહેતા અમિતભાઈ મનોજભાઈ સોલંકી પત્ની દક્ષાબેન અને ત્રણ બાળકો, બે પુત્રી ભૂમિ અને જયના તથા પુત્ર દક્ષ સાથે છેલ્લા ૨૫ વર્ષથી વાપી ખાતે સ્થાયી થયા છે. અમિતભાઈ વાપી ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. બે દિવસ પહેલા તેઓ તેમના વતનમાં સામાજિક પ્રસંગ હોઈ પરિવાર સાથે વાપીથી હાલોલ ખાતે આવ્યા હતાં. જ્યાંથી પ્રસંગ પતાવીને તેઓ અમદાવાદ રહેતી બિમાર બહેનની તબિયત જોવા માટે પત્ની અને દીકરા સાથે ખાનગી કારમાં અમદાવાદ જવા નીકળ્યા હતા. જ્યાં રસ્તામાં જ ગોઝારી ઘટનામાં ત્રણેયના કરૂણ મોત નિપજ્યાં હતાં.
એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાયો હતો. જ્યારે માતા-પિતા અને નાના ભાઈને ગુમાવતાં બે પુત્રી નિરાધાર બની ગઈ છે. આજે ત્રણેય મૃતકોની ગામમાંથી એક સાથે અંતિમયાત્રા નીકળતાં સગાસંબંધીઓ સાથે ગ્રામજનો જોડાતાં આખુ ગામ હીબકે ચઢ્યું હતું.