હજારો વિદ્યાર્થીઓ ભગવાન ભરોસે અને યુનિ.ની હેડ ઓફિસમાં વીસી, રજિસ્ટ્રાર માટે થ્રી-લેયરની સુરક્ષા
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના મુખ્ય કેમ્પસમાં સિક્યુરિટીના ઠેકાણા નથી અને હજારો વિદ્યાર્થીઓને ભગવાન ભરોસે છોડી દેવાયા છે.બીજી તરફ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વાઈસ ચાન્સેલર, રજિસ્ટ્રાર અને બીજા અધિકારીઓની સુરક્ષા માટે થ્રી લેયર સિક્યુરિટી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, હેડ ઓફિસને કિલ્લામાં ફેરવવાનું કામ છેલ્લા બે વર્ષમાં જ થયું છે.હવે હેડ ઓફિસના મુખ્ય પ્રવેશદ્વાર પર બે લોખંડના દરવાજા ફિટ કરાયા છે.જ્યાં સિક્યુરિટી જવાનો તૈનાત હોય છે.મુલાકાતી અંદર જાય તો તેને કોને મળવું છે તેની પૂછપરછ કરવામાં આવે છે.એ પછી વાઈસ ચાન્સેલર કે રજિસ્ટ્રારના પીએને ફોન કરીને આ મુલાકાતીની સિક્યુરિટી ગાર્ડ જાણ કરે છે.જો સાહેબ મિટિંગમાં છે તેવો જવાબ મળે તો મુલાકાતીને મુખ્ય પ્રવેશ દ્વાર પાસેના વેઈટિંગમાં બેસવા માટે કહેવાય છે.સિક્યુરિટીના બીજા લેયરના ભાગરુપે રજિસ્ટ્રાર અને વીસીની ઓફિસ બહાર જાળીઓ મૂકવામાં આવી છે.આ જાળીઓ ગમે ત્યારે બંધ કરી દેવામાં આવે છે.ઉપરાંત બંને ઓફિસની બહાર પણ હવે સિક્યુરિટી ગાર્ડ તૈનાત કરવામાં આવે છે.
યુનિવર્સિટીમાં ચર્ચા છે કે, યુનિવર્સિટીમાં વીઆઈપી કલ્ચર ઘૂસાડનાર વાઈસ ચાન્સેલર ડો.શ્રીવાસ્તવ તેમના કાર્યકાળ દરમિયાન ભાગ્યે જ કોઈ વિદ્યાર્થી નેતાઓને વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળવા માટે મળ્યા છે અને વિદ્યાર્થીઓ અંદર ના આવી જાય તે માટે સેન્ટ્રલ જેલ જેવી વ્યવસ્થા કરવામાં આવી છે.મુલાકાતીઓ પર સીસીટીવી કેમેરાથી સતત નજર રાખવામાં આવે છે.આ માટે હેડ ઓફિસમાં ૧૫ કેમેરા ગોઠવવામાં આવ્યા છે.
અગાઉ વીસીને મળવું આસાન હતું
હેડ ઓફિસના પ્રાંગણમાં વિડિયો ઉતારવા પર પણ હવે પ્રતિબંધ
સેનેટ અને સિન્ડિકેટના અભાવે સત્તાધીશોને મનમાની કરવાનો છુટ્ટો દોર મળી ગયો છે
યુનિવર્સિટીમાં કામ કરતા કેટલાક અધ્યાપકોનું કહેવું છે કે, પહેલા આવું નહોતું.પહેલા વાઈસ ચાન્સેલર જરુર પડે તો પોતાની ઓફિસની બહાર આવીને પણ વિદ્યાર્થીઓને મળતા હતા.હવે તો વાઈસ ચાન્સેલરની સાથે રજિસ્ટ્રાર પણ વિદ્યાર્થીઓને મળવાનું ટાળી રહ્યા છે.યુનિવર્સિટી માટે સરકારે પીઆરઓની પોસ્ટ મંજૂર કર્યા બાદ પીઆરઓની નિમણૂક કરવામાં આવી હતી.જેમની વાઈસ ચાન્સેલરે પાદરા કોલેજમાં બદલી કરી નાંખ્યા બાદ યુનિવર્સિટી પાસે ફૂલ ટાઈમ પીઆરઓ નથી.ઈન્ચાર્જ પીઆરઓ હેડ ઓફિસમાં આખો દિવસ હાજર ના હોય તે સ્વાભાવિક છે.આવા સંજોગોમાં વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળનાર પણ કોઈ હોતું નથી.મુલાકાતીઓને હેડ ઓફિસની બહાર ફોટા પાડતા કે વિડિયો લેતા પણ અટકાવાય છે.હકીકતમાં યુનિવર્સિટીની હેન્ડ બૂકમાં આવો કોઈ નિયમ જ નથી પરંતુ સેનેટ અને સિન્ડિકેટના અભાવે સત્તાધીશોની મનમાની ચાલી રહી છે.હેડ ઓફિસા પ્રાંગણમાં પહેલા મુલાકાતીઓ વાહનો પાર્ક કરી શકતા હતા અને હવે એ પણ બંધ કરાવી દેવાયું છે.