Get The App

ચંદ્રાલા પાસે લક્ઝરી બસમાંથી ત્રણ કિલો ચરસનો જથ્થો પકડાયો

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
ચંદ્રાલા પાસે લક્ઝરી બસમાંથી ત્રણ કિલો ચરસનો જથ્થો પકડાયો 1 - image


ગાંધીનગર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર

જુહાપુરાના શખ્સને પકડી પોલીસે ચરસ મંગાવનાર શાહીબાગના શખ્સ સામે ગુનો દાખલ કરી ૫.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર વિદેશી દારૃની સાથે નસીલા પદાર્થોની હેરાફેરી વધી રહી છે ત્યારે ચિલોડા પોલીસ દ્વારા લક્ઝરી બસમાં લઈ જવાતા ૩.૭ કિલો ચરસના જથ્થા સાથે જુહાપુરાના શખ્સને ઝડપી લેવામાં આવ્યો હતો તેમજ મંગાવનાર સામે ગુનો દાખલ કરીને ૫.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવામાં આવ્યો હતો.

રાજ્યમાં વિદેશી દારૃ અને નસીલા પદાર્થો ઉપર પ્રતિબંધ છે ત્યારે પર પ્રાંતમાંથી આ પ્રકારની ચીજ વસ્તુઓ ઘુસાડવામાં આવી રહી છે. ખાસ કરીને હવે લક્ઝરી બસ કે સરકારી બસમાં આ પ્રકારની હેરાફેરી વધી છે ત્યારે ચિલોડા પોલીસની ટીમ ચંદ્રાલા પાસે વાહન ચેકિંગ કરી રહી હતી તે દરમિયાન હિંમતનગર તરફથી આવી રહેલી એક બસને ઉભી રાખવામાં આવી હતી અને તેમાં છેલ્લી સીટમાં બેઠેલો વ્યક્તિ શંકાસ્પદ જણાતા તેના સામાનની તપાસ કરવામાં આવી હતી જેમાં થેલાનાં ચોરખાનાની તલાશી લેતાં અંદર કાળી સેલોટેપ વીંટાળેલ ૧૫ બંડલો મળી આવ્યા હતા. જે તોડીને જોતા અંદરથી ચરસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ ઈસમની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ શેખ ફેઝ અહેમદ હફીજુદીન રહે, સૈયદવાડા ગન હાઉસની ગલીમાં ખાનપુર, હાલ રહે સાહીસ્તા ફ્લેટ નંબર ૧૨ જુહાપુરા અમદાવાદ હોવાનું જણાવ્યું હતું.બાદમાં પોલીસે ચરસના જથ્થાનું વજન કરતાં ૫.૫૮ લાખથી વધુની કિંમતનો ૩.૭ કિલો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. આ બાબતે કડકાઈથી પૂછતાંછ કરતાં શેખ ફેઝઅહેમદ હફીજુદીને કબૂલાત કરી હતી કે શાહીબાગ કબસ્તાન ખાતે બે મહીના પહેલાં ચલમ પીવા ગયો હતો. જ્યાં સોકેત નામના ઈસમ સાથે ઓળખાણ થઈ હતી. એ વખતે સોકેતે કહ્યું હતું કે,હું અજમેર જઈશ ત્યારે હું તને કામની વસ્તુ આપીશ. બાદમાં ૨૦ મી જાન્યુઆરીએ તેણે ફોન કરતા ફેઝઅહેમદ શાહીબાગ અમદાવાદથી તેની માતા, બહેન અને બે બાળકો સાથે અજમેર ગયો હતો.જ્યાં સોકેતે ચરસનો જથ્થો અમદાવાદ સુધી લઈ જવા માટે ૨૫ હજાર આપવાની વાત કરી હતી.જે જથ્થો લઈને તે લકઝરી બસમાં બેસી અમદાવાદ લઈ જઈ રહ્યો હતો. પોલીસે બંને સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.


Google NewsGoogle News