વડોદરામાં ત્રણ ઇંચ વરસાદમાં જ અનેક વિસ્તારો પાણી પાણી થઇ ગયા
લહેરીપુરા, રાવપુરા,દાંડિયાબજાર, ગેંડીગેટરોડ પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા ઃ જિલ્લામાં પણ મેઘરાજાની જમાવટ
વડોદરા, તા.29 વડોદરામાં ચોમાસાની ઋતુ જામતી જાય છે. થંડરસ્ટ્રોમના કારણે આજે બપોરે કાળા ડિબાંગ વાદળો ઘેરાયા બાદ મેઘરાજાનું ધમાકેદાર આગમન આજે થયું હતું. બપોરે એકધારા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઇ ગયા હતાં. શહેરમાં બપોરે જ ત્રણ ઇંચ વરસાદથી વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.
ઉલ્લેખનીય છે કે શનિવારથી વરસાદી ઋતુનો માહોલ શરૃ થતા વરસાદ વરસી રહ્યો છે. જો કે વચ્ચે વરસાદ બંધ રહેતાં ઉકળાટ પણ લોકો અનુભવી રહ્યા છે. આજે સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો અને બપોરે ૨ વાગ્યાની આસપાસ અચાનક વરસાદ તૂટી પડયો હતો. બપોરે કામ અર્થે બહાર નીકળેલા અનેક લોકો વરસાદના પગલે અટવાઇ ગયા હતાં.
શરૃઆતમાં ધોધમાર અને બાદમાં ધીમી ધારે બે કલાક સુધી શહેરમાં લગભગ ત્રણ ઇંચ જેટલો વરસાદ પડયો હતો. ભારે વરસાદના પગલે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતાં. માંડવી, ગેંડીગેટ, રાવપુરારોડ, દાંડિયાબજાર સહિતના નીચાણવાળા વિસ્તારોના રોડ પર પાણી ભરાઇ ગયા હતાં. શહેર ઉપરાંત જિલ્લામાં પણ તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.
હવામાનખાતાના જણાવ્યા મુજબ વડોદરામાં તાપમાનમાં પણ ૨ ડિગ્રીનો ઘટાડો થતાં મહત્તમ તાપમાન ૨૯.૮ ડિગ્રી નોંધાયું હતું જ્યારે ન્યૂનત્તમ તાપમાન ૦.૬ ડિગ્રી વધીને ૨૭.૬ ડિગ્રી નોધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે ૯૫ અને સાંજે ૯૭ ટકા હતું જ્યારે દક્ષિણ-પશ્ચિમ દિશા તરફની પવનની ગતિ ૯ કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી.