હત્યા થઇ તે ભાજપનાે કાર્યકર ત્રણ કલાક પહેલાં જ ગોત્રી પોલીસ સ્ટેશનમાં મદદ માટે જઇ આવ્યો હતો
વડોદરાઃ ગોત્રી પોલીસ સ્ટેશનની બેદરકારીને કારણે ભાજપના કાર્યકરની ઘાતકી હત્યા થઇ હોવાનો કમકમાટીભર્યા બનાવમાં માત્ર એક કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરીને સંતોષ માનવામાં આવ્યો છે ત્યારે બીજીતરફ ગોત્રી પોલીસ પાસે મદદ લેવા ભાજપના કાર્યકરને નવનેજાં પાણી આવી ગયા હોવાની ચોંકાવનારી વિગતો ચર્ચામાં આવી છે.
રેસકોર્સ વિસ્તારમાં કારપાર્કિંગના મુદ્દે થયેલી તકરારના બનાવમાં મરનાર સચીન ઠક્કરના કઝીન પ્રિતેશ ઠક્કરે તા.૯મીએ પોલીસ ફરિયાદ આપી હતી.જે ફરિયાદ અંગે પગલાં લેવા માટે સચીન અને પ્રિતેશ ગોત્રી પોલીસ સ્ટેશનમાં બે થીત્રણ વાર ગયા હોવાની માહિતી જાણવા મળી છે.
ફરીયાદ પક્ષના વકીલને એવી પણ માહિતી મળી છે કે,સચીનની હત્યા થઇ તેના ત્રણ કલાક પહેલાં પણ સચીન અને પ્રિતેશ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગયા હતા.પરંતુ ત્યારે પણ તેમને કોઇ મદદ મળી નહતી.બંને ભાઇઓને તેમના પર હુમલો થવાનો હશે તેવી આશંકા હતી કે કેમ તે પણ એક તપાસનો વિષય છે.જેથી હવે આ બાબતે ઇજાગ્રસ્ત પ્રિતેશ જ કાંઇ કહી શકશે.