માંજલપુરના સ્પામાં વિદેશી સહિત ત્રણ યુવતીઓ મળી
પોલીસમાં જાણ નહી કરતા સ્પાની મહિલા સંચાલક સામે ગુનો
વડોદરા, તા.3 માંજલપુર વિસ્તારમાં આવેલા એક સ્પા સેન્ટરમાં એક વિદેશી તેમજ બે અન્ય શહેરોની મળી કુલ ત્રણ યુવતીઓને કામ પર રાખ્યા બાદ તેની પોલીસ સ્ટેશનમાં જાણ નહી કરતાં સ્પા સંચાલક મહિલા સામે ગુનો નોધાયો છે.
માંજલપુર વિસ્તારમાં આવેલા મોનાલીસા બિઝનેસ સેન્ટરના પ્રથમ માળે આવેલા મોક્ષા સ્પામાં પોલીસ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવી હતી. સ્પામાં એક મહિલા હાજર મળી હતી જેનું નામ પૂછતાં રુબી સુકુમાર બેનર્જી (રહે.મૂળ કોલકત્તા, હાલ મોક્ષા સ્પા) તેમજ પોતે જ સ્પાની માલિક હોવાનું પોલીસને જણાવ્યું હતું.
પોલીસે સ્પામાં તપાસ કરતાં ત્રણ યુવતીઓ કામ કરતી જણાઇ હતી. ત્રણે યુવતીઓમાં એક ખેડા તેમજ બીજી સુરત જિલ્લાની અને ત્રીજી યુવતી નેપાળની હોવાનું જણાયું હતું. આ ત્રણે યુવતી અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કોઇ જાણ કરવામાં આવી ન હતી જે અંગે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગનો ગુનો સ્પા સંચાલક સામે દાખલ કરવામાં આવ્યો હતો.