અંકોડીયા, સિંઘરોટ અને ખાનપુર ખાતેના ગેમિંગ ઝોન બંધ કરાવાયા
ગેમિંગ ઝોન માટેની એનઓસી સહિતની મંજૂરીઓ અંગે તપાસ બાદ આગળની કાર્યવાહી કરાશે
વડોદરા, તા.27 રાજકોટના ગેમ ઝોનમાં આગની ગોઝારી ઘટના બાદ સમગ્ર રાજ્યમાં મનોરંજન માટેના સાધનો બંધ કરાવવા માટેની હોડ લાગી છે. આજે વડોદરા જિલ્લામાં પણ ત્રણ ગેમિંગ ઝોન બંધ કરાવી દેવામાં આવ્યા હતાં.
સૂત્રોએ જણાવ્યું હતું કે રોજકોટમાં બનેલી દર્દનાક ઘટના બાદ સમગ્ર રાજ્યમાં આવેલા મનોરંજનપાર્કમાં વિવિધ પ્રકારની મંજૂરીની તપાસ કરવાના આદેશો છૂટયા હતાં જેના પગલે વડોદરા શહેર અને જિલ્લામાં પણ આ પ્રકારના ગેમ ઝોન ચાલતા હોય તો તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા હતાં. દરમિયાન પાદરા ખાતે એકપણ ગેમ ઝોન નહી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવ્યું હતું.
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં અંકોડીયા ખાતે ફનટાઇમ અરેના નામનું મનોરંજન સ્થળ આજે બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત સિંઘરોટ ખાતે ૬૦ પાર્ટીંગ ક્લબ્સ તેમજ ખાનપુર ખાતે સ્નો સિટિ ગેમિંગ ઝોનને પણ બંધ કરી દેવાના આદેશ ગ્રામ્ય એસડીએમ દ્વારા આપવામાં આવ્યા હતાં. સૂત્રોએ કહ્યું હતું કે તમામ ગેમ ઝોનમાં એનઓસી સહિતની વિગતો મંગાવવામાં આવી છે અને તમામ વિભાગોની મંજૂરી હશે તો જ આ મનોરંજનપાર્ક ફરી શરૃ કરવામાં આવશે.