ટ્રેનના એસી કોચમાં દારૃ પીને છાકટા બનેલા ત્રણ ઝડપાયા

મહિલા પ્રવાસીની ફરિયાદના આધારે ટ્રેન વડોદરા આવતાં જ ત્રણેની ધરપકડ

Updated: Dec 2nd, 2023


Google NewsGoogle News
ટ્રેનના એસી કોચમાં દારૃ પીને છાકટા બનેલા ત્રણ ઝડપાયા 1 - image

વડોદરા, તા.2 ટ્રેનના એસી કોચમાં દારૃ પીને છાકટા બનેલા તેમજ મહિલાને પરેશાન કરતાં રાજસ્થાનના એક ટ્રાવેલર્સ સહિત ત્રણ શખ્સોની વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રેન આવતાં જ ધરપકડ કરવામાં આવી હતી.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા રેલવે સ્ટેશન પર મોડી રાત્રે આવતી મરુસાગર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં પ્રવાસ કરતી એક મહિલાએ ફરિયાદ કરી હતી કે દારૃ પીધેલા કેટલાંક શખ્સો કોચમાં ધમાલ કરે છે તેમજ ગમે તેમ બોલે છે. આ ફરિયાદના આધારે વડોદરા રેલવે પોલીસ દ્વારા મોડીરાત્રે વોચ ગોઠવવામાં આવી હતી.

પ્લેટફોર્મ નંબર-૧ પર ટ્રેન આવતાં જ એસી કોચમાં પોલીસ પહોંચી ગઇ  હતી અને મહિલાએ દર્શાવેલ દારૃ પીધેલા ત્રણ યુવાનોને ઝડપી પાડયા હતાં. પોલીસે ટ્રાવેલ્સના ધંધા સાથે સંકળાયેલા સુનીલ રામકરણ મંગાવા (રહે.રાજનગર ભીમકા, થાના લીમકા, જિલ્લો સિકાર, રાજસ્થાન) અને ટાઇલ્સના કારીગરો સુરેશ શિવરામ જાટ (રહે.પુજારીકાવાસ, તા.ખંડેલા તા.સિકર, જિલ્લો સિકાર, રાજસ્થાન) અને બાબુલાલ બંસીધર જાટ (રહે.જોરાવરનગર, થાના શ્રીમાધવપુરા, જિલ્લો સિકાર, રાજસ્થાન)ની ધરપકડ કરી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




Google NewsGoogle News