વરસાદ પડવાના કારણે ઝાડ નીચે ઊભા અને વીજળી પડતા પિતા-પુત્ર સહિત ત્રણના મોત
વાગરાથી પોતાના ઘેર પરત ફરતા કુદરતી આફત નડી ઃ પાદરીયા ગામે બનાવથી અરેરાટી
પાલેજ તા.૧૩ ભરૃચ જિલ્લામાં પાલેજ તાલુકાના પાદરીયા નજીક કેનાલ પાસેના એક ઝાડ નીચે વરસાદના કારણે ઊભેલી વ્યક્તિઓ પર વીજળી પડતાં પિતા અને પુત્ર સહિત ત્રણ વ્યક્તિના કરૃણ મોત નિપજ્યા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ ચોરદા ગામમાં રહેતા હબીબભાઇ મલેક તેમજ તેમના બે પુત્રો વાગરાથી બાઇક ઉપર બેસી પોતાના ગામ ચોરદા જતાં હતા ત્યારે માર્ગમાં ધોધમાર વરસાદ પડવાનો શરૃ થતાં પાદરીયા ગામ નજીક કેનાલ પાસે બુલેટ ટ્રેનનાં બ્રિજ નજીક વડનાં ઝાડ નીચે ઊભા હતાં ત્યારે અચાનક વીજળી પડી હતી. આ કુદરતી અકસ્માતમાં ચોરદા ગામના હબીબભાઈ અકબરભાઈ મલેક (ઉ.વ.૫૫) તેમના પુત્ર સકિલ (ઉ.વ ૩૫) તેમજ કરણ ગામના મનિષ સુરેશ વસાવા (ઉ.વ.૨૫)નું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણ થતાં એમ્બ્યૂલન્સ દ્વારા તમામને સારવાર અર્થે પાલેજ સમુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ આવતાં તેઓની તબીબી તપાસ કરતાં મૃત જાહેર કર્યા હતા. ઘટનામાં ઇમરાન હબીબ મલેકનો બચાવ થયો હતો.ત્રણે પિતા અને પુત્રો વાગરાથી પરત આવતાં હતાં ત્યારે આ ઘટના બની હતી.