વડોદરા શિક્ષણ સમિતિની 97 બાલવાડીઓનો ત્રિ-દિવસીય રમતોત્સવ શરૂ
- પ્રથમ દિવસે 35 બાલવાડીઓ બાળકો જુદી જુદી રમતો રમ્યા
- શિક્ષણ સમિતિના હોદ્દેદારો અને શિક્ષકોએ પણ લીંબુ ચમચની દોડ લગાવી
વડોદરા,તા.18 ડિસેમ્બર 2023,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની બાલવાડીઓના બાળકોના રમતોત્સવનો આજથી પ્રારંભ થયો છે. આ રમતોત્સવ ત્રણ દિવસ સુધી ચાલશે. શિક્ષણ સમિતિની 97 બાલવાડીના અંદાજે 4,000 બાળકો આ રમતોત્સવનો આનંદ લઈ રહ્યા છે.
આજે અટલાદરામાં ડો.શ્યામા પ્રસાદ મુખર્જી પ્રાથમિક શાળા ખાતે ઝોન 1ની 35 બાલવાડીઓના બાળકોનો રમતોત્સવ શરૂ થયો છે. સવારે 9:39 થી બપોરે 2 સુધી જુદા જુદા પ્રકારની 10 રમતો રમાય છે. જેમાં લીંબુ ચમચ, દેડકા કુદ, દોડ, કોથળા દોડ વગેરેનો સમાવેશ થાય છે. આજે સવારે રમતોત્સવનો પ્રારંભ થયો, ત્યારે શાળાના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. યોગ અને દેશભક્તિના નૃત્ય પણ નિહાળી ભૂલકાઓ ખુશ થયા હતા. બાળકોને લીંબુ ચમચની રમત રમતા જોઈ શિક્ષણ સમિતિના હોદ્દેદારો, સભ્યો અને શિક્ષકોને પણ પોતાનું બાળપણ યાદ આવ્યું હોય તેમ લીંબુ ચમચની દોડ લગાવી હતી.
તારીખ 19 ના રોજ સવારે 9:30 કલાકે ઝોન 2 ની શાળાઓનો બાલવાડી રમતોત્સવ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રાથમિક શાળા, જ્યોતિ પાર્ક, કારેલીબાગ ખાતે થશે. જ્યારે તારીખ 20 ના રોજ ઝોન 3ની બાલવાડીઓનો રમતોત્સવ સવારે 9:30 વાગ્યે ગોવિંદરાવ મધ્યવર્તી પ્રાથમિક શાળા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા ખાતે યોજાશે. રમતોત્સવમાં ભાગ લેનાર તમામ બાળકોને ઇનામ વિતરણ કરાય છે, અને વિજેતાઓને વિશેષ ઈનામ આપવામાં આવે છે.