વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ત્રિ-દિવસીય શાળા રમતોત્સવનો પ્રારંભ
- પ્રથમ દિવસે ગર્લ્સની વ્યક્તિગત અને બપોર બાદ સાંઘીક રમતોનું આયોજન
- કાલે બોયઝ રમશે
વડોદરા,તા.3 જાન્યુઆરી 2023,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજથી ત્રણ દિવસના શાળા રમતોત્સવનો માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે પ્રારંભ થયો છે. સવારે ઉદ્ઘાટન સમારોહ બાદ વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પાસ્ટ, યોગનિદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. શાળા રમતોત્સવમાં સીઆરસી કક્ષાએથી વિજેતા થયેલ ૩૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. આ ઉપરાંત આશરે 150 થી વધુ શિક્ષક પણ આ રમતોત્સવમાં ભાગ લેનાર છે. વિજેતા શિક્ષકોને પણ ટ્રોફી, મેડલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે.
રમતોત્સવના પ્રથમ દિવસના રોજ ગર્લ્સની વ્યક્તિગત રમતો જેવી કે ગોળાફેંક, ચક્રફેંક, બેઝબોલ ફેંક, લાંબીકૂદ, ઊંચીકૂદ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 4 X 100 રીલે દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ, યોગનિદર્શન જેવી આંતરિક રમતો રમાઈ હતી. આ ઉપરાંત બપોર બાદ કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ તથા લંગડી જેવી સાંઘિક રમતો રમવામાં આવી હતી. તા.04ના રોજ બોયઝની વ્યક્તિગત રમતો જેવી કે ગોળાફેંક, ચક્રફેંક, બેઝબોલ ફેંક, લાંબીકૂદ, ઊંચીકૂદ, 100 મીટર દોડ, 200 મીટર દોડ, 4 X 100 રીલે દોડ જેવી બાહ્ય રમતો તથા કેરમ, યોગનિદર્શન જેવી આંતરિક રમતોનું રમાશે. બપોર બાદ કબડ્ડી, ખો-ખો, રસ્સાખેંચ તથા લંગડી જેવી સાંઘિક રમતોનું આયોજન કરેલ છે. તા.05 ના રોજ બે દિવસની રમત સ્પર્ધા દરમિયાન રમાયેલ સાંઘિક રમતોની ફાઇનલ્સનું આયોજન કરવામાં આવેલ છે. શાળા રમતોત્સવનો સમાપન કાર્યક્રમ તા.05 ના રોજ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, વડોદરા ખાતે યોજવામાં આવેલ છે. જેમાં વિજેતાઓને ટ્રોફી, મેડલ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. રમતોત્સવ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરનાર શ્રેષ્ઠ બોયને “વીરબાળ” તથા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ગર્લ ને “વીરબાળા” તથા વધુ વિજેતા વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતી શાળાને “સયાજી ટ્રોફી” એનાયત કરવામાં આવનાર છે. રમતોત્સવમાં ભાગ લીધેલ તમામ રમતવીરોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે.