Get The App

વડોદરામાં ડ્રગ્સ ઠાલવવાનું નેટવર્ક એમડી ડ્રગ્સની ડિલિવરી માટે આવતા ત્રણ શખ્સો કરજણ પાસે ઝડપાયા

૩૩ કિલો ૭૫ ગ્રામ એમડી ડ્રગ્સ, રોકડ, ચાર મોબાઇલ સહિત રૃા.૯.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો ઃ વડોદરાનો લંબુ વોન્ટેડ

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
વડોદરામાં ડ્રગ્સ ઠાલવવાનું નેટવર્ક  એમડી ડ્રગ્સની ડિલિવરી માટે આવતા ત્રણ શખ્સો કરજણ પાસે ઝડપાયા 1 - image

વડોદરા, તા.19 મુંબઇથી વડોદરામાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવાનું નેટવર્ક જિલ્લા એસઓજીએ ઝડપી પાડી કરજણ  હાઇવે પરથી એક અર્ટિગા ગાડી સાથે મુંબઇના જોગેશ્વરી વિસ્તારમાં રહેતા ત્રણ શખ્સોને ઝડપી પાડી કુલ રૃા.૯.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે વડોદરા શહેર અને જિલ્લામાં ઠલવાતા ડ્રગ્સ પર અંકુશ મેળવવા માટે જિલ્લા પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી. દરમિયાન કરજણ હાઇવે પર બાતમીના આધારે આજે સુરત તરફથી આવતી એક અર્ટિંગા ગાડીને રોકી તેમાં તપાસ કરતાં ત્રણ શખ્સો મળ્યા હતાં. પોલીસે તેમના નામ સરનામા પૂછતાં હબીબ ઉર્ફે બાબા નુરમોહંમદ મેમણ (રહે.યાસીન ઇમામચાલ, એસ.વી.રોડ, જોગેશ્વરી વેસ્ટ, મુંબઇ), સાજીદઅલી જાવેદઅલી સૈયદ (રહે.નવલકારવાળી એસઆરએ બિલ્ડિંગ, જોગેશ્વરી રેલવે સ્ટેશન પાસે, મુંબઇ) અને મહંમદ આસીફ ઉર્ફે ફરીદ કવાલ જાવેદ શેખ (રહે.પારસી અમીનચાલ, બોસ્ટન હોટલ પાછળ, એસ.વી.રોડ, જોગેશ્વરીરોડ, મુંબઇ) જાણવા મળ્યું હતું.

પોલીસે ગાડીમાં તપાસ કરતાં ત્રણે પાસેથી રૃા.૩૩.૩૭ લાખ કિંમતનું ૩૩ કિલો ૭૫ ગ્રામ મેફેડ્રોન(એમડી) ડ્રગ્સનો જથ્થો મળ્યો  હતો. આ જથ્થા અંગે ત્રણેએ કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો જેથી પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં મુંબઇના અંધેરી વિસ્તારમાં નવરંગ ટોકિઝ પાસે રહેતાં અન્ના ગરદુલ્લાએ એમડી ડ્રગ્સનો જથ્થો આપી ગુજરાતના વિવિધ શહેરોમાં ડિલિવરી માટે આપવા માટે મોકલ્યા હતાં. વડોદરામાં રહેતા શહેબાઝ મન્સુરી ઉર્ફે લંબુને એમડી ડ્રગ્સની ડિલિવરી કરવાની હતી. પોલીસે એમડી ડ્રગ્સ, ચાર મોબાઇલ, ગાડી અને રૃા.૮૦૯૫૦ રોકડ મળી કુલ રૃા.૯.૬૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

વડોદરા શહેરમાં ડ્રગ્સનો જથ્થો પહોંચે તે પહેલાં જ હાઇવે પરથી જિલ્લા પોલીસે ઝડપી પાડયો હતો. પોલીસની તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે મુંબઇથી એક ટ્રિપ મારે ત્યારે રસ્તામાં આવતા શહેરોમાં હાઇવે પર ડ્રગ્સની ડિલિવરી કરી દેતા હતાં. આ અંગે કરજણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયા બાદ તેની તપાસ ડભોઇ પીઆઇ દ્વારા હાથ ધરવામાં આવી છે.




Google NewsGoogle News