લીંબડી હાઇવે પર 1.70 કરોડની લૂંટની 55 કિલો ચાંદી સાતે વડોદરામાં યુવતી તેના પિતા અને પતિ પકડાયા
વડોદરાઃ સુરેન્દ્રનગર હાઇવે પર કુરિયરની કારને આંતરી રૃ.૧.૭૦ કરોડની ચાંદી અને જ્વેલરી લૂંટવાના દિલધડક બનાવમાં ૪૮ કલાકના ગાળામાં જ લૂંટના મુદ્દામાલને કબજે કરવામાં વડોદરા પોલીસને સફળતા મળી છે.વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રિક્ષામાં જતા સસરા- જમાઇ અને યુવતીને ઝડપી પાડી રૃ.૪૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
અમદાવાદના નારોલથી એચ એલ કાર્ગોની કાર ગઇ તા.૫મીએ રાતે ૧૦ વાગે ચાંદી અને ઇમિટેશન જ્વેલરીના પાર્સલો લઇ લીંબડી હાઇવે પરથી પસાર થતી હતી ત્યારે લીંબડી નજીક જનશાળી પાટિયા પાસે બે કારમાં આવેલા ૭ થી ૮ લૂંટારાએ કારના ડ્રાઇવર-ક્લિનર પર હુમલો કરી અને માથે રિવોલ્વર જેવું મુકી ૧૦૭ કિલો ચાંદી અને ૨૨ કિલો ઇમિટેશન જ્વેલરી મળી કુલ રૃ.૧.૭૦ કરોડની લૂંટ ચલાવી હતી.
લૂંટારાઓ વડોદરા તરફ ભાગ્યા હોવાની વિગતોને પગલે સુરેન્દ્રનગર પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વડોદરા શહેર પોલીસ કમિશનરનો સંપર્ક કરતાં ક્રાઇમ બ્રાન્ચને એલર્ટ કરાઇ હતી.પોલીસે હરણીરોડ વિજયનગર સોસાયટી પાસેથી એક રિક્ષાને ઝડપી પાડતાં અંદરથી લીંબડી ખાતે થયેલી લૂંટની ૫૫ કિલો ચાંદી અને ઇમિટેશન જ્વેલરી મળી આવ્યા હતા.
પોલીસે રિક્ષા ચાલક સંજય બચુભાઇ રાજપૂત(જૂનીગઢી,પાણીગેટ),તેની પુત્રી તેજલ ઉર્ફે આયશા આસિફ માટલીવાલા અને જમાઇ આસિફ ઉર્ફે ઇમરાન કાદર માટલીવાલા (રેશમવાલાનો ખાંચો, યાકુત પુરા)ની અટકાયત કરતાં અમદાવાદનો ખૂંખાર ગુનેગાર શીવો મહાલિંગમ ઉર્ફે આફતાબ તેમજ તેનો સાગરીત સિકંદર લંઘા બે દિવસ પહેલાં દાગીના વેચવા માટે આપી ગયા હોવાની વિગતો ખૂલી હતી.જેથી વડોદરા પોલીસે સુરેન્દ્રનગર પોલીસને જાણ કરી આરોપીઓને સોંપવા તજવીજ કરી છે.
સસરા-જમાઇના ગલ્લાતલ્લાં,આ માલ લૂંટનો છે અમને ખબર જ નથી
ખૂંખાર ગુનેગારો લૂંટનો માલ આપી ગયા હોવા છતાં લૂંટના માલ સાથે પકડાયેલા પિતા-પુત્રી અને જમાઇ ગલ્લાતલ્લા કરી રહ્યા છે.
સુરેન્દ્રનગર હાઇવે પર કુરિયરની કારને આંતરીને રૃ.૧.૭૦ કરોડની લૂંટના દિલધડક બનાવમાં લૂંટારા વડોદરા તરફ આવ્યા હોવાની વિગતોને પગલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ હેતલ તુવેર,પીઆઇ એમ એફ ચૌધરી અને પીઆઇ એચઆઇ ભાટીની ટીમોએ વોચ રાખી સંજય રાજપૂત,તેની પુત્રી તેજલ ઉર્ફે આયેશા અને જમાઇ આસિફ ઉર્ફે ઇમરાન માટલીવાલાને લૂંટના માલ સાથે ઝડપી પાડયા હતા.
પોલીસની પૂછપરછ દરમિયાન ત્રણેય જણા ગોળગોળ જવાબો આપી રહ્યા છે.રાજ્યના ખૂંખાર ગુનેગાર શીવો મહાલિંગમ અને સિકંદર લૂંટનો માલ વેચવા માટે આપી ગયા હોવા છતાં ત્રણેય જણા આ માલ લૂંટનો છે તેની જાણ નહિં હોવાનું રટણ રટી રહ્યા છે.જેથી સુરેન્દ્રનગર પોલીસ આગળની કાર્યવાહી કરશે.
અમદાવાદના ખૂંખાર ગુનેગાર શીવા મહાલિંગમ અને સિકંદર સામે મર્ડર,લૂંટ,આર્મ્સ જેવા સંખ્યાબંધ ગુના
લૂંટનો માલ આપવા માટે શીવા અને સિકંદર સાથે આવેલી એક મહિલા અને પુરુષ ની પણ તપાસ
વડોદરાની જેલમાં રહી ચૂકેલા અને રાવપુરા પોલીસ સ્ટેશનમાં ખૂનના ગુનામાં સંડોવાયેલા અમદાવાદના ખૂંખાર ગુનેગાર શીવા મહાલિંગમ અને સિકંદર સામે અનેક ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે,શીવા મહાલિંગમ ઉર્ફે આફતાબ મુરૃગન પિલ્લાઇ સામે અમદાવાદ,રાજકોટ, વડોદરા સહિતના સ્થળોએ હત્યાના ત્રણ,લૂંટ,હુમલા,આર્મ્સ એક્ટ જેવા ૨૪ ગુના નોંધાયેલા છે.જ્યારે, સિકંદર લંઘા(સરખેજ,અમદાવાદ) સામે હત્યા,આર્મ્સ એક્ટ અને દારૃના અડધો ડઝન ગુના નોંધાયા છે.
લૂંટારાઓ લૂંટ કર્યા બાદ વડોદરા આવ્યા હતા અને યાકુતપુરામાં આપી ગયા હતા.ખૂંખાર ગુનેગારોની સાથે એક મહિલા તેમજ એક પુરુષ પણ હતા.જેથી તેઓ કોણ હતા તેની તપાસ હાથ ધરી છે.