ઇન્ટર સ્ટેટ દોડતી લકઝરી બસમાં દારૃની હેરાફેરી કરતા ત્રણ ઝડપાયા
ઇન્દોરથી દારૃ લાવ્યા હતા : છેલ્લા ૧૫ દિવસમાં પીસીબીએ પાંચ લાખ ઉપરાંતનો દારૃ કબજે કર્યો
વડોદરા,એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતી લકઝરી બસમાં વિદેશી દારૃનો જથ્થો લાવી શહેરમાં વેચાણ કરતા ત્રણ આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે. ઉલ્લેખનીય છે કે, પીસીબી પોલીસે તાજતેરમાં પાંચ લાખ ઉપરાંતનો દારૃ કબજે કર્યો છે.
ઇન્ટર સ્ટેટ દોડતી લકઝરી બસોમાં દારૃની હેરાફેરી થતી હોવાની માહિતી મળતા પીસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન માહિતી મળી હતી કે, જાંબુવા બાયપાસ પાસે હોટલ રામદેવ ખાતે આવતી ટ્રાવેલ્સની બસમાં તુષાર મકવાણા, રાહુલ રાઠોડ તથા જગદીશ પાટણવાડિયા એમ.પી.થી દારૃ લઇને આવવાના છે. તેમજ આ દારૃ લેવા માટે અજય ઠાકોર આવવાનો છે. જેથી, પીસીબી પી.આઇ. એસ.ડી.રાતડાની સૂચના મુજબ સ્ટાફના એ.એસ.આઇ. અરવિંદભાઇ તથા અન્યએ ઉપરોક્ત સ્થળે વોચ ગોઠવી હતી. દરમિયાન દારૃ લઇને આવનાર બે અને દારૃ લેવા આવનાર સહિત ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી પાડયા હતા. જેમાં (૧) રાહુલ શ્રવણભાઇ રાઠોડ ( રહે. પંચશીલ નગર, ફેગ કંપની પાછળ, માણેજા) (૨) તુષાર શાંતિલાલ મકવાણા (રહે. કર્મા કોમ્પલેક્સ, રાજેશ ટાવર રોડ, ગોત્રી) તથા (૩) અજય રમેશભાઇ ઠાકોર ( રહે. જોગીવાળું ફળિયું, મારેઠા ગામ) નો સમાવેશ થાય છે. અજય સામે અગાઉ જુગારના બે કેસ થયા છે. પોલીસે બિયરની ૧૦૯ બોટલ, રોકડા, બાઇક અને મોબાઇલ મળીને કુલ રૃપિયા ૧.૪૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. છેલ્લા ૧૫ દિવસમાં પીસીબી પોલીસે શહેરના અલગ - અલગ વિસ્તારમાં રેડ પાડીને દારૃના ૧૫ ઉપરાંત કેસ કર્યા છે. જેમાં ૧૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગત તા. ૭ મી સુધીમાં દારૃની ૨,૫૨૪ બોટલ કિંમત રૃપિયા ૪.૯૮ લાખ ની કબજે કરી હતી.જ્યારે કુલ ૧૫.૪૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.