આજવારોડના બંગલામાં લૂંટ કરવાના ગુનામાં ત્રણ આરોપી જેલભેગા
મુખ્ય આરોપી અજય સહિત બે આરોપીના રિમાન્ડ મેળવી પૂછપરછ કરતી પોલીસ
વડોદરા,આજવા રોડ નવજીવન સોસાયટીમાં ફેક્ટરી માલિક અને તેના પરિવારને બાનમાં લઇ ૧૧.૭૫ લાખની લૂંટના ગુનામાં સામેલ બે આરોપીઓના પોલીસે બે દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે.
આજવા રોડની નવજીવન સોસાયટીમાં રહેતા અને સરદાર એસ્ટેટમાં ફેક્ટરી ધરાવતા અશોકકુમાર સિંઘલના ઘરે ૧૦ દિવસ પહેલા કાળી બુકાની તેમજ કાળા ચશ્મા પહેરીને આવેલા લૂંટારાઓએ પરિવારને તલવાર અને ખંજર જેવા ઘાતક હથિયાર બતાવી બાનમાં લીધા હતા. લૂંટારૃં ટોળકી ૨૦ તોલા સોનુ,બે કિલો ચાંદી અને રોકડા અઢી લાખની લૂંટ કરીને ફરાર થઇ ગઇ હતી. આ ગુનામાં પોલીસે પાંચ આરોપીઓ (૧) અજય રમેશભાઇ મારવાડી (૨) રાહુલ પરસોત્તમભાઇ પરમાર ( બંને રહે. એકતા નગર આજવા રોડ) (૩) હિતેશ વિમલભાઇ તડવી (૪) આકાશ કિશોરભાઇ કહાર તથા (૫) ભૂપેન્દ્ર ઉર્ફે ભોલાભાઇ દેવજીભાઇ પરમાર ( ત્રણેય રહે. કિશનવાડી)ને ઝડપી પાડયા હતા. ડીસીબી પોલીસ પાસેથી બાપોદ પોલીસે આરોપીઓનો કબજો લઇ આજે કોર્ટમાં રજૂ કર્યા હતા. પોલીસે આરોપી અજય મારવાડી તથા રાહુલના બે દિવસના રિમાન્ડ લીધા છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓને જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.