ટ્રેનોમાં પ્રવાસ કરતી મહિલાઓનો કિંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ટોળકીના ત્રણ ઝડપાયા

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
ટ્રેનોમાં પ્રવાસ કરતી મહિલાઓનો કિંમતી સામાન તફડાવતી આંતરરાજ્ય ટોળકીના ત્રણ ઝડપાયા 1 - image


Vadodara Railway Station : લાંબા અંતરની ટ્રેનોના રિઝર્વેશન કોચમાં પ્રવાસ કરતી મહિલાઓને ટાર્ગેટ કરી તેમના કિંમતી સામાનની ચોરી કરતી આંતર રાજ્ય ટોળકીના ત્રણ સભ્યોને રેલવે પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે હરિયાણાનો એક શખ્શ વોન્ટેડ હોવાથી તેની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 

ઉલ્લેખનીય છે કે લાંબા અંતરની ટ્રેનોમાં એસી કોચ અથવા સ્લીપર કોચમાં પ્રવાસ કરતી મહિલાઓના પર્સ સહિતનો કિંમતી સામાન ચોરી થવાની અનેક ઘટનાઓ બની હતી. જેના પગલે રેલવે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં ટેકનિકલ એનાલિસિસ દ્વારા નવી દિલ્હીમાં રહેતી એક ટોળકી ટ્રેનોમાં ચોરી કરતી હોવાની વિગતો બહાર આવી હતી. રેલવે પોલીસ દ્વારા આ ટીમોને ઝડપી પાડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને વડોદરા તેમજ દિલ્હીથી ત્રણ ચોરો વિરલ શ્યામનારાયણ યાદવ (રહે. વેસ્ટ કમલ વિહાર, ઉત્તર પૂર્વ દિલ્હી, મૂળ ઉત્તર પ્રદેશ), દીપક દેવાનંદ પંચાલ (રહે. રામનગર એક્સટેન્શન શાહદરા, ઇષ્ટ દિલ્હી) અને રાજુ મંગલપ્રસાદ મિશ્રા (રહે. નંદનગરી મહિલા કોર્ટ સામે, શાહદરા દિલ્હી મૂળ યુપી)ને ઝડપી પાડ્યા હતા. 

આંતરરાજ્ય ગેંગના ત્રણે ચોરો પાસેથી આશરે સવા લાખ રૂપિયાનો ચોરીનો મુદ્દામાલ કબજે કરી વડોદરા રેલવે પોલીસમાં નોંધાયેલા એક ગુનામાં ત્રણેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન ઝડપાયેલી ટોળકીના સભ્યો ગુજરાત, હરિયાણા, રાજસ્થાન, દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ ટ્રેનોમાં મુસાફરી કરતા પ્રવાસીઓનો કિંમતી સામાન ચોરી કરતા હોવાની વિગતો પ્રકાશમાં આવી છે. તેઓની સામે ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણામાં પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે. રીઢા આરોપી હોવાથી કેટલાક ગુનામાં તેઓ વોન્ટેડ હતા અને પોલીસ તેઓને શોધખોળ કરતી હતી. દરમિયાન આ ગેંગના અન્ય એક સભ્ય હરિયાણાના પાનીપત ખાતે રહેતા રાજેશનું પણ નામ ખુલતા તેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News