સરદારભવનના ખાંચામાં પાર્કિંગના મુદ્દે હત્યાના બનાવમાં વેપારી તેમજ પિતા-પુત્ર સહિત ત્રણને રિમાન્ડ
વડોદરાઃ સરદારભવનના ખાંચામાં ગઇકાલે માતાની તેરમાની વિધિ કરી બહાર નીકળેલા સિનિયર સિટિઝન પુરૃષની પાર્કિંગના મુદ્દે માર મારી હત્યા કરવાના બનાવમાં ડીસીપી પન્ના મોમાયાએ ત્રણ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરી હતી.
હરણીની અક્ષરધામ સોસાયટીમાં રહેતા અને દરજીકામ કરતા રમેશભાઇ રાઠોડ(૬૦)ના માતા તુલસીબેનના ગઇકાલે બપોરે સરદારભવનના ખાંચામાં હનુમાનવાડી ખાતે તેરમાની વિધિ હતી ત્યારે બપોરે પાર્કિંગના મુદ્દે તકરાર થતાં શાહ જનરલ સ્ટોરના દુકાનદાર અર્પણ અને તેના બે માણસોએ રમેશભાઇ,તેમના પત્ની અને પુત્રને સાથે મારામારી કરી હતી.જેમાં રમેશભાઇને ઢોર માર મારતાં અને ધક્કો વાગવાથી પડી જતાં મોત નીપજ્યું હતું.
કારેલીબાગ પોલીસે આ બનાવમાં હત્યાનો ગુનો દાખલ કર્યો હતો.ડીસીપી પન્ના મોમાયાએ આ બનાવની તપાસનું સુપરવિઝન કરી સીસીટીવી ફૂટેજ તેમજ સાક્ષીઓની વિગતો મેળવી હતી.પોલીસે આ બનાવમાં (૧)દુકાનદાર અર્પણ કિરિટકુમાર શાહ(અમીઝરા ફ્લેટ,એચડીએફસી બેન્ક પાસે,વીઆઇપી રોડ,કારેલીબાગ) (૨)મનિષકુમાર કિર્તીકુમાર શાહ(પલ્લવપાર્ક, બ્રાઇટ સ્કૂલ પાસે,વીઆઇપીરોડ અને તેના પુત્ર(૩) યશ મનિષકુમાર શાહની ધરપકડ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
ડીસીપીએ કહ્યું હતું કે,આ ગુનામાં પોલીસ દ્વારા આરોપીઓની મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળક પરેડ કરાવવામાં આવશે.પોલીસ વધુ પુરાવા એકત્રિત કરી રહી છે.