વ્યાજખોરોના ત્રાસથી બે ભાઇઓએ ગાંધીનગર છોડ્યું,વડોદરા રહેતા નેચરોથેરાપિસ્ટને ઘેર આવી ધમકી
વડોદરાઃ વ્યાજખોરોના ત્રાસ સામે બે પોલીસ ફરિયાદ કર્યા બાદ ગાંધીનગર છોડી દેનાર બે ભાઇઓ પૈકીના વડોદરામાં ભાડાના મકાનમાં રહેતા ભાઇએ તેને કેસના સાક્ષી દ્વારા ધમકીઓ મળતી હોવાની ફરિયાદ નોંધાવી છે.
છાણીમાં ભાડાના મકાનમાં રહેતા અને નેચરોથેપિસ્ટ તરીકે કામ કરતા રિપલકુમાર ભટ્ટે પોલીસને કહ્યું છે કે,વર્ષ-૨૦૧૮માં વ્યાજખોરોના ત્રાસને કારણે મારા ભાઇ વિમલ ભટ્ટે મારે ઘેર આવી દવા પી લેતાં તેને ૧૫ દિવસ સારવાર લેવી પડી હતી.આ અંગે મેં દશરથ દેસાઇ,પ્રકાશ દેસાઇ,નિલેશ દેસાઇ,ઘનશ્યામ પંચાલ અને અન્ય સામે બે ફરિયાદ નોંધાવી હતી.
આ કારણસર અમે ગાંધીનગર છોડી દીધું હતું.આ કેસમાં હું કોર્ટમાં હાજર રહી શકતો નહીં હોવાનું કહી વિશાલ સી વ્યાસ નામના સાક્ષીએ મને ન્યાય અપાવવાની ખાતરી આપી કેસમાં હાજર રહેવાની સત્તા માંગી હતી.જેથી મેં તેમને અત્યાર સુધી ૧૧ સોગંદનામા કરી આપ્યા છે.પરંતુ છેલ્લા કેટલાક સમયથી વિશાલનું વર્તન બદલાયું છે અને તેઓ મને કેસ પાછો ખેંચવા માટે ફોન અને ઘેર આવી ધમકી આપી રહ્યા છે.તેઓ મને ખોટા કેસમાં ફસાવી દેવાની અને વ્યાજખોરોને સરનામું આપી દેવાની પણ ધમકી આપી રહ્યા છે.જેથી ફતેગંજ પોલીસે ગુનો નોંધ્યો છે.
મારા ભાઇએ દવા પીધી હતી,હાલમાં ક્યાં છે તેની મને જાણ નથી
વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવનાર રિપલકુમારે ફરિયાદમાં કહ્યું છે કે,મારા ભાઇને ઉઘરાણી માટે મારઝૂડ કરવામાં આવતી હતી.જેથી તેણે દવા પી લીધી હતી અને ત્યારબાદ તે પણ ગાંધીનગર છોડીને ક્યાંક ચાલ્યો ગયો છે.જે હાલમાં ક્યાં છે તેની મને જાણ નથી.