દારૃ પીવા માટે રૃપિયા નહીં આપતા મારી નાંખવાની ધમકી
ધારિયું અને કુહાડી લઇને ઘરે જઇ દરવાજા પર લાતો મારી
વડોદરા,દારૃ પીવા માટે ઉછીના રૃપિયા નહી આપતા થયેલા ઝઘડાની અદાવત રાખી રિક્ષા ડ્રાઇવરના ઘરે જઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
આજવા રોડ ધનાની પાર્કમાં રહેતો સૂફિયાન મહંમદહુસેન સૈયદ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગત તા. ૧૦ મી એ રાતે સવા દશ વાગ્યે હું સરદાર એસ્ટેટ પાસે સીગારેટ પીવા માટે ગયો હતો. તે સમયે ત્યાં આવેલા આરિફ અલ્લારખાં શેખે મારી પાસે પાંચ હજાર ઉછીના માંગ્યા હતા. મારી પાસે રૃપિયા નહીં હોવાથી મેં તેને ના પાડતા અમારે બોલાચાલી થઇ હતી. તેની અદાવત રાખી ગઇકાલે આરિફે મને ફોન કરીને બોલાવતા હું ગયો હતો. આરિફે ધારિયું તેમજ તેના ભાઇ કુડીડી લઇને આવ્યા હતા. તેઓની સાથે જીગર મોરે પણ આવ્યો હતો. તેઓએ મારા મકાનના દરવાજા પર લાતો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મેં બૂમાબૂમ કરતા આરોપીઓ ભાગી ગયા હતા.
જ્યારે સામા પક્ષે ફૈઝાન શાહનવાઝ ઘોરીએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે મારા મિત્ર સૂફિયાન સૈયદે ગાળો બોલી જાનથી મારી નાંખવાની તેમજ ગાડી સળગાવી દેવાની ધમકી આપી હતી.