લગ્ન બાદ મિત્રતા નહિં રાખનાર પરિણીતાની સાસરીમાં જઇ યુવકે ધાંધલ મચાવી,બદનામ કરવાની ધમકી
વડોદરાઃ લગ્ન બાદ મિત્રતા નહિં રાખનાર એક પરિણીતા સાથે જબરદસ્તી સબંધ રાખવા માંગતા યુવકે તેની સાસરીમાં જઇ ફોટા પાડીને વાયરલ કરવાની ધમકી આપ્યા બાદ છેડતી કરતાં પરિણીતાએ પિયર અને સાસરીયાને જાણ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
પરિણીતાએ પોલીસને કહ્યું છે કે, ગોરવાના સંદિપ ઠાકોર સાથે લગ્ન પહેલાં પરિચય હતો.પરંતુ લગ્ન બાદ મિત્રતા રાખી નહતી.જેથી આઠેક મહિના પહેલાં સંદિપ મારી સાસરીમાં આવ્યો હતો.જેથી અમે તેને ચા પીવડાવી હતી.દસેક દિવસ બાદ તે ફરી આવ્યો હતો.પરંતુ તે વખતે સાસરીયા હાજર નહતા.સંદિપે યાદગીરીના નામે મારી સાથે ફોટો પડાવ્યો હતો.
ત્યારબાદ તેણે કોઇની પાસે મોબાઇલ નંબર લીધો હતો અને મને એક હોટલમાં બોલાવી ત્યાં પણ ફોટા લીધા હતા.મેં તેના ફોન લેવાનું બંધ કરતાં તેણે કોઇ મહિલા પાસે ફોન કરાવી મારા ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી અપાવી હતી.જેથી મારા ભાઇએ પોલીસને અરજી આપી હતી.
પરિણીતાએ કહ્યુેં છે કે,ચારેક દિવસ પહેલાં હું બજારમાં ગઇ ત્યારે સંદિપે મારો હાથ પકડયો હતો અને તારા ભાઇને કહી દે જે વચ્ચે આવે નહિં,તું મારી નહિં તો બીજા કોઇની નહિં બને..તેમ કહી ધમકી આપી હતી.ત્યારપછી પણ તેણે ફોન કરીને ધમકી આપવા માંડતા આખરે ફરિયાદ કરી હતી.