સ્ટેશન બહાર ચા ની લારી ધરાવતા શ્રમજીવીને ફારુક છાપરાની ધમકી,જગ્યા ખાલી કર નહિંતર મહિને 9000 ભાડું આપ
વડોદરાઃ રેલવે સ્ટેશન બહાર ૨૫ વર્ષથી લારી ધરાવતા શ્રમજીવીને નામચીન ફારુક છાપરાએ લારીની જગ્યા ખાલી કરવા નહિંતર મહિને રૃ.૯ હજાર ભાડું આપવા માટે ધમકી આપતાં તેની સામે વધુ એક ગુનો નોંધાયો છે.
ફતેગંજ વિસ્તારમાં કમાટીપુરા ખાતે રહેતા નામચીન ફારુક ઉર્ફે છાપરા છોટુભાઇ શેખ સામે અગાઉ પણ ખંડણી,ખૂન,રાયોટિંગ જેવી ફરિયાદો નોંધાઇ હતી અને પાંચ વાર તે પાસામાં જઇ આવ્યો હતો.
ફારુક સામે સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઇ છે.જેમાં રમેશ ઉત્તેકર(નટરાજ ટાઉનશિપ,સયાજીગંજ) એ પોલીસને કહ્યું છે કે,હંુ સ્ટેશનની બહાર ૨૫ વર્ષથી ચા ની લારી ધરાવું છું.તા.૩૦મીએ રાતે સવા નવેક વાગે હું લારી બંધ કરીને સ્કૂટર પર ઘેર જતો હતો ત્યારે હિરક બાગ પાસે ફારુક બાઇક લઇને મારી પાસે આવ્યો હતો.
ફારુકે મને કહ્યું હતું કે,તું જ્યાં લારી ઉભી રાખે છે તે જગ્યા મારી છે. તાત્કાલિક ખાલી કરી દે નહિંતર મહિને રૃ.૯ હજાર ભાડું આપ.મેં તેને આ જગ્યા સરકારી છે તેમ કહેતાં તેણે મને લારી નહિં હટાવે તો જાનથી મારી નાંખીશ.
જેથી ઉપરોક્ત બનાવ અંગે સયાજીગંજ પોલીસે ફારુક સામે ગુનો નોંધ્યો છે.