બિલ્ડર પાસે ખંડણી માંગી ધમકી રૃા.૮ લાખ રોકડા અને દર મહિને રૃા.૩૦થી ૪૦ હજાર આપવા પડશે
ગેરકાયદે બાંધકામ કર્યુ છે તેવા આક્ષેપો કરી હેરાન કરનાર પ્રશાંત પવાર સામે પોલીસમાં ફરિયાદ
વડોદરા, તા.11 ભાયલીમાં કોમર્શિયલ બાંધકામ સાઇટ પર દુકાન ધરાવતા શખ્સે સાઇટમાં ગેરકાયદે બાંધકામ કર્યું છે તેવા આક્ષેપો કરી તમને હેરાન કરી દઇશ તેમ કહી બિલ્ડર પાસે રૃા.૮ લાખ રોકડા અને દર મહિને રૃા.૩૦થી ૪૦ હજારના હપ્તાની માંગણી કરતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.
ગોત્રી વિસ્તારમાં હરીનગર સોસાયટીમાં રહેતા ઘનશ્યામ ધનજી પટેલે તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રશાંત ચન્દ્રકાંત પવાર (રહે.અર્બન રેસિટેન્સી, ભાયલી) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે એઇમ ઓક્ટેન ઇન્ફાસ્પેસ નામની કન્સ્ટ્રક્શનનું કામ કરતી ભાગીદારી પેઢીમાં હું ભાગીદાર છું. વર્ષ-૨૦૧૮માં ભાયલીમાં એસડબલ્યુસી નામે કોમર્શિયલ બાંધકામ કર્યું હતું. આ સાઇટ પર એક દુકાન હેમા પ્રશાંત પવારને વેચાણ આપી છે અને તે દુકાન પણ તેમણે ભાડે આપી દીધી છે.
અમે એક દુકાનમાં કોર્પોરેશનની મંજૂરી મેળવીને બે ભાગ કર્યા છે તે મુદ્દો ઉઠાવી ત્રણ માસ પહેલાં હેમાબેનનો પતિ પ્રશાંતે અમારી ઓફિસે આવી ઉગ્રતાથી વાત કરી તમે બાજુની દુકાનમાં બે ભાગ કર્યા છે જે ગેરકાયદે છે, તમારે મને રૃા.૮ લાખ આપવા પડશે નહીં તો હું તમારી વિરુધ્ધમાં રેરામાં ફરિયાદ કરીશ તેમ કહેતાં મેં કહ્યું કોઇ ગેરકાયદે બાંધકામ કર્યુ નથી તમારે ફરિયાદ કરવી હોય તો કરો અમને વાંધો નથી. આ વખતે તે ઉશ્કેરાઇ ગયો હતો અને હાથ ઉગામ્યો હતો પરંતુ અમે મોબાઇલથી રેકોર્ડિગ કરવા જતા તે ઓફિસમાંથી જતો રહ્યો હતો.
ત્યારબાદ તા.૨૬ ઓક્ટોબરના રોજ મને ફોન કરી પ્રશાંત ઓફિસે આવ્યો હતો અને મારે એકલા વાત કરવી છે તેમ કહી મને બહાર લઇ ગયો હતો ત્યારે મારા ભાગીદારને મેં ઇશારો કરી મોબાઇલથી તેની વાતચીતનું રેકોર્ડિગ કરાવી લીધું હતું. પ્રશાંતે મને ધમકી આપી હતી કે આ સાઇટના બાંધકામમાં તમને ઘણો ફાયદો થયો છે, તમારે મને રૃા.૮ લાખ આપવા પડશે તે ઉપરાંત દર મહિને રૃા.૩૦થી ૪૦ હજાર ૧૫ વર્ષ સુધી મળે તેવી વ્યવસ્થા કરવી પડશે નહીં તો લાંબુ થશે, પ્રશાંતે પઠાણી ઉઘરાણી કરી ધમકી આપી હતી કે જો પૈસા આપશો તો હું તમારી સાથે રહીશ, હેરાન નહી કરું જો નહી આપો તો અરજીઓ કરી હેરાન કરીશ, મેં કહ્યું કશું ખોટું કર્યુ નથી તો પૈસા શેના આપવાના ત્યારે પ્રશાંતે ગર્ભિત ધમકી આપી હતી કે ભવિષ્યમાં તકલીફ પડશે.