મહિલા સિક્યુરિટી ગાર્ડના વાળ પકડી હુમલો કરી મારી નાંખવાની ધંમકી
યુવકોને સીગારેટ પીવાની ના પાડતા ઉશ્કેરાયા : સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ
વડોદરા,પ્રતાપ નગર બ્રિજ પાસે આવેલા એક શોપિંગ કોમ્પલેક્સમાં સીગારેટ પીતા યુવકોને ના પાડનાર મહિલા સિક્યુરિટી ગાર્ડના વાળ પકડી ચાર યુવકોએ તેને માર માર્યો હતો. મકરપુરા પોલીસે આ અંગે સીસીટીવી ફૂટેજના આધારે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
પ્રતાપ નગર હેડ ક્વાટર્સની સામે આવેલા કોમ્પલેક્સમાં ગઇકાલે કેટલાક યુવકો સીગારેટ પી રહ્યા હતા. જાહેરમાં સીગારેટ પીતા યુવકોની વર્તણૂંક શંકાસ્પદ જણાતા ત્યાં હાજર મહિલા સિક્યુરિટી ગાર્ડે તેઓને સીગારેટ પીવાની ના પાડી હતી. જેથી, યુવકો ઉશ્કેરાઇ ગયા હતા. તેઓઓ મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી શરૃ કરી હતી. યુવકોએ મહિલાનું બાવડું પકડી ઝપાઝપી કરી હતી. ચાર પૈકીના કાળું શર્ટ પહેરેલા યુવકે મહિલાના વાળ પકડી માથામાં કડું મારી હું તને જીવતી નહીં છોડું. તેવું જણાવીને માર માર્યો હતો. મારામારીના પગલે લોકોનું ટોળું ભેગું થઇ ગયું હતું. લોકો એકત્રિત થઇ જતા હુમલાખોરો ત્યાંથી રિક્ષામાં બેસીને રવાના થઇ ગયા હતા. બનાવ અંગે મકરપુરા પોલીસને જાણ કરવામાં આવતા મકરપુરા પી.આઇ. જે.એન.પરમારે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. સ્થળ પર ફિટ કરેલા સીસીટીવીના ફૂટેજમાં મહિલા સિક્યુરિટી સાથે ઝપાઝપી કરતા આરોપીઓ નજરે પડતા હતા.
પોલીસે સીસીટીવીમાં દેખાતા રિક્ષાના નંબરના આધારે રિક્ષા ચાલકને શોધી કાઢ્યો હતો. રિક્ષા ચાલકની પૂછપરછ દરમિયાન હુમલાખોરોના નામ સરનામા પોલીસે મેળવી તેઓને ઝડપી પાડવાની કામગીરી હાથ ધરી છે. ચાર પેૈકીનો એક આરોપી નશો કરવાની ટેવ વાળો છે. તેની સામે અગાઉ પણ મારામારીના બે થી ત્રણ ગુના દાખલ થયા છે. તે રખડતું જીવન ગુજારતો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું છે. પોલીસે આરોપીઓના સંભવિત આશ્રયસ્થાનો પર તપાસ કરી તેઓને ઝડપી લેવાની કામગીરી હાથ ધરી છે.