રિટાયરમેન્ટ પછી મળેલા રૃપિયાના ભાગ બાબતે પિતાને પુત્રની ધમકી
મકાનમાં પણ ભાગ માંગી વૃદ્ધ પિતા સાથે પુત્ર ઝઘડો કરતો હતો
વડોદરા,નિવૃત્તિ પછી પિતાને મળેલા રૃપિયાના ભાગ બાબતે દીકરા દ્વારા ઝઘડો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી.જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વારસિયા રીંગ રોડ પર ગુરૃકુળ વિદ્યાલય પાસે કમળાબા સોસાયટીમાં રહેતા જયેશભાઇ કલ્યાણભાઇ કલ્યાણી એમ.જી.વી.સી.એલ.માંથી નિવૃત્ત થયા છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારો મોટો દીકરો જીજ્ઞોશ કલ્યાણી તેના પરિવાર સાથે મકાનના ઉપરના માળે રહે છે. નાનો દીકરો જયેશ કલ્યાણી ગાંધીનગર ખાતે સિવિલ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. વર્ષ - ૨૦૧૪ માં હું નિવૃત્ત થયો ત્યારે મને જે રૃપિયા મળ્યા હતા. તે રૃપિયા બાબતે મારો દીકરો જીજ્ઞોશ મને કહેતો હતો કે, નિવૃત્તિ સમયે તમને કેટલા રૃપિયા મળ્યા છે ? હું તમારો મોટો દીકરો છું. મને જાણવાનો અધિકાર છે. આ રૃપિયા અમો બંને ભાઇઓ વચ્ચે વહેંચી ભાગ પાડી આપો. મેં તેને કહ્યું હતું કે, આ રૃપિયામાંથી અમારા પતિ - પત્નીનું ગુજરાન ચાલે છે. તે રૃપિયા તમને ના આપી શકું. આ રૃપિયા બાબતે મારો દીકરો અવાર - નવાર અમારી સાથે ઝઘડો કરી ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. આ ઉપરાંત મકાનમાં પણ ભાગ આપવાનું કહી ધમકી આપતો હતો.