સાવલીના ગૌરક્ષકને ધમકી હથિયારો સાથે ઉભેલા બે શખ્સે કહ્યુ કિશન જેવી હાલત આની કરવાની છે
ચાર અજાણ્યા શખ્સોએ ધમકી આપતા પોલીસ તપાસ
વડોદરા, તા.7 સાવલી તાલુકાના ગોઠડા-કરચીયારોડ પરથી સ્કૂટર લઇને પસાર થતાં વેપારી અને તેના મિત્રને આંતરી ચાર જેટલા શખ્સોએ એક મિત્રને તારી હાલત ધંધુકાના કિશન ભરવાડ જેવી કરવાની છે તેવી હથિયારો બતાવી ધમકી આપી હતી.
સાવલી તાલુકાના ઝવેરીપુરા ગામમાં રહેતાં અજયસિંહ ડી. ચાવડાએ સાવલી પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું કિચનવેરનો ધંધો કરું છું અને આરએસએસમાં સ્વંયસેવક તેમજ ગૌસેવક તરીકે સેવા આપું છું. તા.૬ના રોજ સવારે હું અને મારો મિત્ર પૃથ્વીરાજસિંહ વાઘેલા દુકાનના કામ માટે સમલાયા જવા માટે સ્કૂટર લઇને જતા હતાં. રસ્તામાં ખબર પડી કે રિપેરિંગનો સામાન દુકાનમાં જ ભૂલાઇ ગયો છે જેથી બંને પરત દુકાનમાં જતા હતાં.
દરમિયાન કરચીયા પાસે ઉભેલા બે શખ્સોએ બૂમ પાડી જણાવેલ કે ઉભો રહે ક્યાં ભાગે છે પરંતુ મને અજુગતું લાગતાં ઉભો રહ્યો ન હતો અને દેવડ ચોકડી પાસેથી પસાર થતી વખતે રસ્તામાં બાઇક પર અન્ય બે શખ્સો હાથમાં ડંડો અને છરો બતાવી રોકવાની કોશિષ કરી બૂમો પાડી બોલતા હતાં કે આજે તેને પતાવી દેવાનો છે, તે ધંધુકાના કિશન ભરવાડ જેવો જ છે, તેની હાલત પણ કિશન જેવી કરવાની છે આ વખતે અન્ય બે શખ્સો પણ સ્કૂટર પર આવી ગયા હતાં પરંતુ હું અને મારો મિત્ર બંને સ્કૂટર લઇને જતા રહ્યા હતાં. અગાઉ મેં મુંગા પશુઓને કતલ થતા રોક્યા હતાં જે અંગે ફરિયાદો પણ થઇ હતી જેથી તેની રીષ રાખી આ ધમકીઓ આપી હોવાનું મનાય છે. પોલીસે ઉપરોક્ત ફરિયાદના પગલે વધુ તપાસ હાથ ધરી છે.