સમા રોડના વેપારીને ધમકી : એક કરોડ રૃપિયા તૈયાર રખના વરના ખૂન કી નદીયા બહેગી
દુકાનમાં નોકરી કરતા પૂર્વ કર્મચારીએ મિત્ર સાથે મળીને ખંડણી પેટે મોટી રકમ પડાવવા કોલ કરાવ્યા
વડોદરા, ન્યૂ સમા રોડ અભિલાષા ચોકડી પાસે ફરસાણની દુકાન ચલાવતા વેપારી અને કોર્પોેરેટરના ભાઈને એક કરોડ રૃપિયા તૈયાર રખના વરના ખૂન કી નદીયા બહેગી તેવી ધમકી આપી ખંડણી માંગનારને ડીસીબી પોલીસે શોધી કાઢ્યો છે. ધમકી આપનાર દુકાનનો જ પૂર્વ કર્મચારી હતો. પોલીસે તેની તથા તેના સાગરીતની ઝડપી વધુ પૂછપરછ હાથ ધરી છે.
સમા ચાણક્યપુરી ચાર રસ્તા પાસે આવેલી મંગલતિર્થ સોસાયટીમાં રહેતા અને ભાજપ કોર્પોેરેટર મહાવીરસિંહ રાજપુરોહિતના ભાઈ સીતારામસિંહ નારણસિંહ રાજપુરોહિતે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ૧૫ વર્ષથી ન્યુ સમા રોડ અભિલાષા ચોકડી પાસે ખેતેશ્વર નામની ફરસાણની દુકાન ચલાવું છું. ગત ૧૨ મી જૂને હું સાંજના સમયે મારા ઘરેથી દુકાન તરફ જઈ રહ્યો હતો. તે સમયે મારા મોબાઇલ પર કોલ આવ્યો હતો. સામેથી એક શખ્સે હિન્દીમાં મારી સાથે વાત કરી પૂછ્યું કે, સીતારામજી બરોડા ખેતેશ્વરસે બોલ રહે હો ? મેં હા પાડી હતી.
ત્યારબાદ તેણે મને ધમકી આપતા કહ્યું કે, એક કરોડ રૃપીયે તૈયાર રખના નહી તો આપ કા પૂરા કામ તમામ કર દુગા ઔર વિક્રમ કા કામ તમામ હો જાયેગા. જેથી મને આ કોલ કરનાર ફ્રોડ લાગતા મેં ફોન કાપી નાખ્યો હતો. થોડી વાર પછી એ જ નંબર પરથી વિક્રમ કા કામ હો જાયેગા તેવો એક ટેક્સ મેસેજ મારા નંબર ઉપર આવ્યો હતો. વિક્રમ મારો દીકરો છે.
થોડીવાર પછી એજ નંબર ઉપરથી વારંવાર કોલ આવતા મેં ફોન ઉપાડતા કોલ કરનારે એવી ધમકી આપી હતી કે, પૈસો કા ઇંતજામ કર દો વરના ખૂન કી નદીયા બહા દુંગા. મેં કોઇ જવાબ આપ્યા વગર ફોન કાપી નાખયો હતો.
ગત તા. ૧૪મી જૂને રાતે આઠ વાગ્યે હું મારી ફરસાણની દુકાને હતો. તે વખતે ફરીથી ફોન આવ્યો હતો જેમાં સીતારામ ભોલ રહે હો સીતારામજી સે બાત કરાઓ જો બાત હુઈ હૈ વો રખ લે ઔર જો બોલા હૈ વો કરના વરના બૂરા હાલ હોગા. ઔર ઘર સે અર્થીયા ઉઠેગી ફોન રેકોર્ડ કરના હો તો કર લેના. તેમ કહી મને તથા મારા દિકરાને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. પોલીસે રામનિવાસ ઉર્ફે શ્યામ ભંવરલાલ બિશ્નોઇ ( રહે.બુદ્ધનગર, જોધપુર, રાજસ્થાન) તથા પ્રહલ્લાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઇ ( રહે. ગામ ખેતાસર, તા.ઓશિયા, જોધપુર, રાજસ્થાન)ને ઝડપી પાડયા છે.
પૂર્વ કર્મચારીએ ખંડણી માટે રાજસ્થાનના મિત્રની મદદ લીધી
વડોદરા,દરમિયાન ડીસીબી પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરતા શંકાના દાયરામાં આવેલા પૂર્વ કર્મચારી રામનિવાસની જ સંડોવણી જણાઇ આવી હતી. રામનિવાસ ૨૦ દિવસ પહેલા નોકરી છોડીને જતો રહ્યો હતો. ત્યારબાદ ફરીથી નોકરી માટે કોલ કરતા સીતારામસિંહે ના પાડી હતી. જેથી, ઉશ્કેરાયેલા રામનિવાસે પોતાના સાગરીત પ્રહલ્લાદ ઉર્ફે પીપી માંગીલાલ બિશ્નોઇને ફોન કરી ધમકી આપવા કહ્યું હતું.
વેપારીએ વ્યક્ત કરેલી શંકા સાચી ઠરી
વડોદરા,વેપારીએ પોલીસને જણાવ્યું હતું કે, અમારી દુકાનમાં અગાઉ કામ કરતો રામ નિવાસ ઉર્ફે શ્યામ બિસનોઈ (રહે, રાજસ્થાન)નું વર્તન બરાબર ન હોવાથી તેને નોકરીમાથી છુટો કર્યો હતો. જેથી તે પણ મારાથી નારાજ હોય તેને પણ આવી કરી હોઈ શકે અથવા કરાવી શકે તવી શંકા મને છે.
પ્રહલ્લાદ સામે રાજસ્થાનમાં ખૂન, ખૂનની કોશિશ સહિત ૧૦ ગુનાઓ
વડોદરા,પ્રહલ્લાદ અને રામ નિવાસ આજે પંડયા બ્રિજ પાસે મળવાના હોવાની માહિતી મળતા પોલીસે વોચ ગોઠવીને બંનેને ઝડપી પાડયા હતા. પ્રહલ્લાદ પાસેથી એક પિસ્તોલ અને ૬ કારતૂસ મળી આવ્યા હતા. પોલીસે પ્રહલ્લાદ અને રામનિવાસની સામે અલગથી આર્મ્સ એક્ટનો ગુનો દાખલ કર્યો છે. પ્રહલ્લાદ સામે ખૂન, ખૂનની કોશિશ, લૂંટ, મારામારી, છેતરપિંડી અને આર્મ્સ એક્ટના સંખ્યાબંધ ગુનાઓ નોંધાયા છે. તેની સામે જોધપુર, ચિત્તોડગઢ અને ઉદયપુરમાં મળીને કુલ ૧૦ ગુનાઓ નોંધાયા છે.