ખોટી વાતો ફેલાવતા પતિને રોકતા ધમકી : કહ્યું, "જાનથી મારી નંખાવીશ"
Image: Freepik
પાદરામાં પત્ની ખોટી વાતો ફેલાવતા પતિને અટકાવવા જતા મામલો બિચક્યો હતો અને પતિએ પત્નીને માર મારીને તેણીને મારી નંખાવવા સુધીની ધમકી આપી હતી. આખરે સમગ્ર મામલે ગુંડાગીરી કરતા પતિ સામે પત્નીએ પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાદરા પોલીસ મથકમાં મહિલાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, દાંપત્ય જીવન દરમિયાન તેમને બે સંતાનો છે. 22, ઓગસ્ટના રોજ તેઓ ઘરે હતા. તેવામાં પાલિકાની કચરો એકત્ર કરતી ગાડી આવતા તેઓ બહાર નાંખવા માટે આવ્યા હતા. તેમના પતિ મયંક ડીલક્ષ હેર કટીંગની દુકાને ઉભા હતા. અને તેમના વિરૂદ્ધ ખરાબ વાતો કરતા હતા. તેવામાં તેમણે પતિને કહ્યું કે, તમે મારા વિશે કેમ લોકોને ખોટી વાતો કરો છો ?
આટલું કહેતા પતિ મયંક અકળાઇ ગયા હતા. અને ઉશ્કેરાઇને બોલવા લાગ્યા કે, તું અહીં કેમ રહે છે ?. બાદમાં પતિએ પત્ની પાસે જઇને તેનુ ગળું દબાવીને માર માર્યો હતો. અને ધક્કો મારીને નીચે પાડી દીધા હતા. પછી કહ્યું કે, હું જોઉં છું તું કેમની આ સોસાયટીમાં રહે છે. તને અને તારી છોકરીને હું અહીંયા નહીં રહેવા દઉં. તમને બંનેને જાનથી મારી નંખાવીશ.
ઘટનાના આગલા દિવસે મહિલા પતિએ તેને પરેશાન કરવા માટે તેણીની સોસાયટીમાં આંટા મારતા હતા અને સોસાયટીના લોકોને તેમના વિશે ખોટી ખોટી વાતો કરતા હતા. મે - 2024માં કોર્ટના કામથી મહિલા વકીલને મળવા માટે ગયા હતા. તે વખતે પતિએ ઇકો ગાડીમાં બેસાડવા માટે તેમનો હાથ ખેંચ્યો હતો. પરંતુ તેમણે બેસવાનો ઇનકાર કરતા તેમને ધક્કો મારી દીધો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, દંપતિ એક વર્ષથી સાથે રહેતું નથી. માતા-દિકરી અલગ થઇને જ્યાં રહે છે ત્યાં આવીને પતિ દ્વારા ઝઘડો કરવામાં આવતા આખરે પતિ મયંક જેઠીદાસ આચાર્ય (રહે. વણકરવાસ, પાદરા ટાઉન, વડોદરા) સામે પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.