ગર્લ્સ હોસ્ટેલમાં રોગચાળાનો ડર, ૧૦ જેટલી વિદ્યાર્થિનીઓ બીમાર પડી
વડોદરાઃ ચોમાસાના કારણે વડોદરા શહેરમાં રોગચાળાની સ્થિતિ છે.ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં સારવાર માટે દર્દીઓનો ધસારો છે ત્યારે એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં પણ રોગચાળાનો ડર જોવા મળી રહ્યો છે.
મળતી જાણકારી પ્રમાણે ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી ૧૦ થી ૧૨ વિદ્યાર્થીનીઓ બીમાર પડી છે.જેમને વાયરલ ફીવર અને પેટમાં દુખાવાની ફરિયાદો છે. જેના કારણે હોસ્ટેલમાં પણ ગભરાટની લાગણી છે. સ્થિતિને વણસતી અટકાવવા માટે ગર્લ્સ હોસ્ટેલમાં તમામ રુમોમાં, વોશરુમ્સમાં તેમજ હોસ્ટેલ કેમ્પસમાં ફોગિંગ પણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, ગર્લ્સ હોસ્ટેલમાં ૧૦૦૦ કરતા વધારે વિદ્યાર્થિનીઓ રહે છે.હોસ્ટેલ કેમ્પસમાં ઝાડી ઝાંખરાના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોવાની ફરિયાદ પણ તાજેતરમાં વિદ્યાર્થિનીઓએ સત્તાધીશો સમક્ષ કરી હતી.ગર્લ્સ હોસ્ટેલના સત્તાધીશો રોગચાળાની સ્થિતિ હોવાનો ઈનકાર કર્યો હતો અને બીજી તરફ ચીફ વોર્ડનનો આ મુદ્દે જાણકારી માટે સંપર્ક થઈ શક્યો નહોતો.
બીજી તરફ બોયઝ હોસ્ટેલમાં પણ દરેક હોલમાં શરદી ખાંસીના કિસ્સા જોવા મળી રહ્યા છે.બોયઝ હોસ્ટેલમાં પણ ૪૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ રહેતા હોવાથી અહીંયા પણ ફોગિંગ કરવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.