દંતેશ્વરમાં દારૃનો ધંધો કરતા માતા પુત્રની ધમકી
ફળિયાના અન્ય રહીશો સાથે માતા - પુત્રે ઝઘડો કર્યો
વડોદરા,તમે અમારો દારૃનો ધંધો કેવી રીતે બંધ કરાવો છો? તેવું કહીને ફળિયાના લોકોને ધમકી આપનાર માતા - પુત્ર સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
દંતેશ્વર ગામ ડેરાવાળા ફળિયામાં રહેતા સંદિપભાઇ રાજનભાઇ પઢિયાર ઇન્ટિનિયર ડિઝાઇનીંગનું કામ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે રાતે સાડા નવ વાગ્યે અમારા ફળિયામાં કોમન ગેટ બનાવવાનો હોવાથી એક મિટીંગ રાખી હતી. મિટીંગ રાતે સાડા દશ વાગ્યે પૂરી કરીને ફળિયાના માણસો પોતાના ઘરે ગયા હતા. ત્યારબાદ રાતે અગિયાર વાગ્યે અમારા ફળિયામાં રહેતા અને દેશી દારૃ વેચતા ગીતાબેન નટવરભાઇ પઢિયાર તથા તેમનો દીકરો અજય અને અજયનો એક મિત્ર બહાર આવી જોરજોરથી બૂમો પાડી ફળિયાના લોકોને ગાળો બોલીને કહેતા હતા કે, હું તમને જોઉં છું. કેવી રીતે દારૃનો ધંધો બંધ કરાવો છો ? તેઓ અમારા ફળિયાના લોકોને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. તેમજ મારી અને ફળિયાના અન્ય લોકો સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા. મેં ૧૦૦ નંબર ડાયલ કરી પોલીસની ગાડી બોલાવી હતી.