નડિયાદના સંતરામ મંદિરમાં હજારો મણ બોરની ઉછામણી કરાઈ
- પોષી પુનમે ઉજવણીની પરંપરા યથાવત
- હજારો શ્રદ્ધાળુંઓ માનતા પૂરી કરવા ઉમટયાં જય મહારાજના જયઘોષથી મંદિર ગુંજી ઉઠયું
નડિયાદ : પોષી પુનમના દિવસે નડિયાદના સંતરામ મંદિરમાં ભક્તજનોનું ઘોડાપુર ઉમટી પડયું હતું. વહેલી સવારથી રાત સુધી શ્રદ્ધાળુંઓનો અવિરત પ્રવાહ રહ્યો હતો. ભક્તોએ બોરની ઉછામણી કરીને પોતાની માનતા પૂરી કરી હતી. આ દરમિયાન હજારો મણ બોર સંતરામ મંદિરના પટ્ટાંગણમાં મહારાજના સાનિધ્યમાં ઉછળ્યા હતા.
પોષી પુનમને ગુરૂવારના રોજ નડિયાદના સંતરામ મંદિરમાં રાજ્યના ખૂણેખૂણેથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડયું હતું. વહેલી સવારથી જ મંદિરના પટાંગણમાં હજારો ભક્તો એકત્ર થયા હતા અને હજારો મણ બોરાની ઉછામણી કરીને પોતાની માનતા પૂરી કરી હતી. જેને ઝીલવા માટે હજારો ભક્તો એકત્ર થયા હતા.પોષી પુનમ પૂર્વે બુધવારથી બપોર બાદ નડિયાદના સંતરામ મંદિરની આસપાસ બોર વેચવાવાળા લારીઓ અને પાથરણા લઈ ગોઠવાઈ ગયાં હતાં. સાથે જ ભક્તોએ ૩૦થી ૪૦ રૂપિયા પ્રતિ કિલો વેચાણ થતા બોરની ખરીદી કરી હતી અને હજારો મણ બોરાની ઉછમણી કરવામાં આવી. જે બાળકો બોલતા ના હોય તેવા બાળકો બોલતા થાય તેવી આસ્થા સાથે બોરની ઉછામણી કરવામાં આવે છે. આ પરંપરા આજે પણ ચાલી રહી છે. રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુંઓ દ્વારા આસ્થા સાથે બોરાની ઉછામણી કરવામાં આવી હતી. આ વખતે સંતરામ મંદિર 'જય મહારાજ' ના જયઘોષ સાથે ગુંજી ઉઠયું હતું.