Get The App

જગતના નાથ શ્રી જગન્નાથજીની નગરચર્યામાં ભક્તિનું ઘોડાપૂર ઊમટયું

શ્રધ્ધાળુઓના હર્ષોલ્લાસ સાથે વડોદરામાં રથયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
જગતના નાથ શ્રી જગન્નાથજીની નગરચર્યામાં ભક્તિનું ઘોડાપૂર ઊમટયું 1 - image


વડોદરા : છેલ્લા ૪૩ વર્ષની પરંપરા મુજબ આજે ભગવાન જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા હતા. બપોરે ૨.૩૦ વાગ્યે રેલવે સ્ટેશન વિસ્તારમાં હજારો ભક્તોની મેદની વચ્ચે હર્ષ ઉલ્લાસ સાથે રથયાત્રાનો પ્રારંભ થયો હતો. 'જય જગન્નાથ'ના જયઘોષથી આખો સ્ટેશન વિસ્તાર ગુંજી ઉઠયો હતો. સાંજે ૭ વાગ્યે રથયાત્રા નિર્વિઘ્ને સંપન્ન થઇ હતી અને ભગવાન નીજ મંદિરમાં પધાર્યા હતા, જ્યાં શયન આરતી બાદ કપાટ બંધ થયા હતા.

આજે રવિવાર હોવાથી દર વર્ષ કરતા આ વર્ષે રથયાત્રામાં ભક્તોની સંખ્યા પણ વધુ જોવા મળી હતી. ભક્તિનો મહાસાગર લહેરાતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ભજન મંડળીઓની રમઝટ વચ્ચે ભુલકાઓની વેશભૂષા આકર્ષક લાગતી હતી. રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર દ્વારા થાય છે એટલે દેશભરમાંથી આવેલા ઇસ્કોનના સંતો-સન્યાસીઓ પરંપરાગત રીતે પખવાજ સાથે કીર્તન કરતા જોવા મળ્યા હતા.

ભજન મંડળીઓની રમઝટ વચ્ચે ભુલકાઓની વેશભૂષા આકર્ષક લાગતી હતી, કોલેજના વિદ્યાર્થીઓ સફાઇસેવક બન્યા, યાત્રાના રૃટ ઉપર સફાઇ કરી

 ભગવાન જગન્નાથજી,  બહેન સુભદ્રાજી અને ભ્રાતા બલરામજી સાથે રથમાં આરૃઢ થઇને સ્ટેશનથી કાલાઘોડા સર્કલ ત્યાંથી કોઠી ચાર રસ્તા થઇને રાવપુરા મેઇન રોડ પર પહોંચ્યા ત્યાં સુધીમાં તો ભક્તોનો ધસારો પણ વધી ગયો હતો અને ઘર આંગણે દર્શન દેવા આવેલા અખિલ બ્રહ્માંડના ધણીના દર્શન માટે ભક્તોએ પડાપડી કરી હતી. જો કે આટલી ભીડ અને ધસારો હોવા છતાં એક પણ અપ્રિય ઘટના બની નહતી. આ વખતે ભગવાનના મુખારવિંદના દર્શન થઇ શકે તે માટે રથયાત્રામાં વિશાળ એલઇડી સ્ક્રીન પણ લગાવવામા આવી હતી, જેથી ભક્તો દૂરથી પણ દર્શન કરી શકે.

રથયાત્રાના પ્રારંભથી જ ચાર ટેમ્પોમાં પ્રસાદનું સતત વિતરણ થઇ રહ્યું હતું.ભક્તોને શીરાનો મહાપ્રસાદ સાથે જાંબુ અને કેળા પણ પ્રસાદમાં આપવામા આવી રહ્યા હતા. પર્યાવરણની સુરક્ષા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારી નર્સરી દ્વારા ભક્તોમાં તરૃપ્રસાદ એટલે કે છોડવાઓનું પણ વિતરણ કરાયું હતું. સ્વચ્છતા માટે વડોદરાની વિવિધ કોલેજના વિદ્યાર્થીઓની ટીમ કામે લાગી હતી. આ ટીમ રથયાત્રાના રૃટ ઉપર સતત સફાઇ કરતી નજરે પડી હતી. યાત્રા રાવપુરાથી જ્યુબિલીબાગ, સુરસાગર, માર્કેટ ચાર રસ્તા થઇને નિયત રૃટ ઉપર છેલ્લે પોલો ગ્રાઉન્ડ પહોંચી હતી અને યાત્રાનું સમાપન થયું હતું.


Google NewsGoogle News