સાયબર ફ્રોડ માટે ભાડે રખાયેલા હજારો બેંક એકાઉન્ટનો પર્દાફાશ

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
સાયબર ફ્રોડ માટે ભાડે રખાયેલા હજારો બેંક એકાઉન્ટનો પર્દાફાશ 1 - image


મુંબઈ સુધી પથરાયેલી ગેંગના બે સાગરિતો કલોલથી પકડાયા

ટેલિગ્રામ મારફતે કમિશનની લાલચ આપી બેન્ક એકાઉન્ટ મેળવતા  રૃપિયા ઉપાડી ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી મુખ્ય સૂત્રધારને પહોંચાડતા

ગાંધીનગર :  હાલમાં સમગ્ર દેશમાં ઓનલાઈન છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ પ્રકારની છેતરપિંડી માટે ઉપયોગમાં લેવાતા બેંક એકાઉન્ટના મોટાં નેટવર્કનો પર્દાફાશ કરીને કલોલમાંથી બે શખ્સોને ઝડપી લીધા છે. આ આરોપીઓ દ્વારા ટેલિગ્રામ ગુ્રપ બનાવીને લોકોને કમિશનની લાલચ આપી બેન્ક એકાઉન્ટની વિગતો મેળવીને તેમાં રૃપિયા ટ્રાન્સફર કરાવવામાં આવતા હતા. પોલીસે મુંબઈના મુખ્ય સૂત્રધાર એવા અલી નામના શખ્સની પણ શોધખોળ શરૃ કરી છે અને તેની ધરપકડ થયા બાદ સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક બહાર આવશે.

હાલના ડિઝીટલ યુગમાં સાયબર ક્રાઇમ કરતી ટોળકીઓ દ્વારા અવનવા કિમીયા અપનાવીને નાણાકીય પ્રલોભન આપી નિર્દોષ નાગરિકોને ટાર્ગેટ બનાવી ઓનલાઇન છેતરપીંડી આચરવામાં આવી રહી છે. આ પ્રકારના ગુનાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે જેને પગલે પ્રિવેન્શન તેમજ ડિટેક્શન માટે પોલીસ દોડી રહી છે ત્યારે એલ.સી.બીની ટીમ ગાંધીનગર જીલ્લાના કલોલ તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ કરતા બાતમી મળી હતી કે, છત્રાલ ખાતે રહેતો મહંમદઇસ્માઇલ નીયામતઅલી સૈયદ તથા તેનો સાગરીત સરફરાજ અલગ અલગ રીતે પ્રલોભન આપી સામાન્ય લોકો પાસેથી ઓનલાઇન ફ્રોડ કરી નાણાં મેળવે છે. જે ઠગાઇના નાણાં મેળવવા જરુરીયાતમંદ સ્થાનિક વ્યક્તિઓને કમિશનની લાલચ આપી તેઓના નામે અલગ અલગ બેંકમાં એકાઉન્ટ ખોલાવીને બેંક એકાઉન્ટમાં ઠગાઇના નાણાં જમા લઇ તે નાણાં રોકડમાં કે આનલાઇન ઉપાડી તે નાણાં યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી મુંબઇ ખાતે રહેતા તેના સાગરીતને ઓનલાઇન ટ્રાન્સફર કરી આથક ગુન્હાઓ આચરે છે. જે બાતમીના આધારે એલ.સી.બીની ટીમે આ મહમદઇસ્માઇલ નીયામતઅલી સૈયદ રહે. કસ્બાવાસ, છત્રાલ ગામ, તા.કલોલ જી.ગાંધીનગર અને સરફરાઝ રફીકભાઇ મલેક રહે. મોટો સીપાઇવાસ, વડાવલી ગામ, તા.ચાણસ્મા, જી.પાટણને છત્રાલકલોલ હાઇવે પરથી લક્ઝુરીયસ કારમાં જતા ઝડપી પાડયા હતાં. જેમની પૂછપરછમાં સાયબર ફ્રોડનું મોટું નેટવર્ક બહાર આવ્યું હતું. આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકોની પાસબુક અને ડેબિટ કાર્ડ પણ મળી આવ્યા હતા. ગાંધીનગર રેન્જ ડીઆઇજી વિરેન્દ્રસિંહ યાદવે જણાવ્યું હતું કે, આરોપીઓ ટેલિગ્રામ ગુ્રપ મારફતે લોકોને જોડી કમિશનની લાલચ આપીને છેતરપિંડીના નાણા બેંક એકાઉન્ટમાં જમા કરાવતા હતા. મુખ્ય સૂત્રધાર મુંબઈના અલીની શોધખોળ શરૃ કરવામાં આવી છે અને તેમાં દેશભરમાં ચાલતા સાયબર ફ્રોડના મોટા નેટવર્કની વિગતો બહાર આવશે. આરોપી સરફરાઝ રફીકભાઇ મલેક સામે ગાઝિયાબાદ પોલીસ સ્ટેશનમાં નોકરી આપવાનાં બહાને ૨૮ લાખની છેતરપિંડીનો ગુનો પણ દાખલ થયેલો છે.

એકાઉન્ટમાં જમા થતા રૃપિયાનું બે ટકા કમિશન અપાતું

આરોપી મહમ્મદ ઇસ્માઇલ સૈયદ છેલ્લા દોઢેક વર્ષથી ટેલીગ્રામ મોબાઇલ એપના માધ્યમથી નાણાંકીય પ્રલોભન આપી છેતરપીંડી આચરતા અલી નામના શખ્સ સાથે સંપર્કમાં આવ્યો હતો. અલીના કહેવા મુજબ ૨ ટકાના કમીશન ઉપર જરૃરીયાતમંદોના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી આપવા સંમતી આપી મહમ્મદઇસ્માઇલ સૈયદ પોતાના ઓળખીતા તથા સરફરાઝ રફીકભાઇ મલેકને પોતાને મળતા કમિશનમાં ૫૦ ટકા કમિશન આપવાનું કહેતો હતો. તેઓ પાસેથી બેન્ક એકાઉન્ટ મેળવી જેની વિગતો અલીને ટેલીગ્રામ એપ મારફતે મોકલી આપતો, જે એકાઉન્ટમાં અલી લોકોને નાણાંકીય પ્રલોભન આપી તેઓ સાથે ઓનલાઇન ઠગાઇ કરતો હતો.

આરોપીઓ છ દિવસના પોલીસ રિમાન્ડ ઉપર

ગાંધીનગર પોલીસ દ્વારા સાયબર ક્રાઈમનું મોટું નેટવર્ક ઝડપી લેવામાં આવ્યું છે ત્યારે પકડાયેલા બંને આરોપીઓ મહંમદ ઇસ્માઈલ સૈયદ અને સરફરાજ ને ગાંધીનગર કોર્ટમાં રજૂ કરી ૧૪ દિવસના પોલીસ રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જો કે કોર્ટ દ્વારા આરોપીઓને છ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે આ આરોપીઓની પૂછપરછમાં હજી વધુ વિગતો બહાર આવવાની શક્યતા પણ જોવાઈ રહી છે.

કરોડોના ટ્રાન્જેક્શનથી ફ્રીઝ થયેલા ૧૧૪ એકાઉન્ટની વિગતો મળી

આરોપીઓના મોબાઇલમાંથી અલગ અલગ બેન્કની પાસ બુક, ચેક બુક, ક્રેડીટ તથા ડેબીટ કાર્ડ્ સહિતના આશરે ૨૦૦ જેટલા કરન્ટ એકાઉન્ટની વિગતો પોલીસને મળી છે તથા તેના મેઇલમાંથી બાયનન્સ એકાઉન્ટની હિસ્ટ્રીમાંથી એકાઉન્ટથી એકાઉન્ટ ટ્રાન્સફર યુ.એસ.ડી.ટી. અને રોકડ નાણાંથી ટ્રાન્સફર યુ.એસ.ડી.ટી. ક્રીપ્ટોમાં કન્વર્ટ કરેલ તે આશરે રૃપિયા ૪૪ લાખથી વધુના ટ્રાંઝેક્શન છે. આરોપીઓની પાસેથી મળેલા બેન્ક એકાઉન્ટમાં બે થી ત્રણ દિવસમાં કરોડોના ટ્રાંઝેક્શન બાદ ફરીયાદ થતા ફ્રીઝ કરાયેલા ૧૧૪ એકાઉન્ટની વિગતો અલીને મોકલેલ તે મોબાઇલમાંથી મળી છે. આ એકાઉન્ટ થકી અત્યર સુધીમાં રૃ. એક કરોડથી પણ વધારેનું કમીશન મેળવી લીધાનું પણ બહાર આવ્યું છે.

૧૨૦૦ બેંક એકાઉન્ટ મારફતે કરોડો રૃપિયાની હેરાફેરી

ટેલીગ્રામમાં એપ મારફ્તે જોઇન્ટ થઇ દેશભરના ૧૨૦૦ જેટલા નાગરિકોના એકાઉન્ટ ઉપયોગ કરી સાયબર ફ્રોડના કરોડો રૃપિયાનુ ટ્રાન્ઝેક્શન થયું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જેમા હાલ સુધી મુખ્ય આરોપી દ્રારા ૨૦૦થી વધારે એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાયબર ફ્રોડ કરવાના હેતુથી ટેલીગ્રામ એપ પર કુલ -૨૫ ગુ્રપ છે જેમાં મુખ્ય આરોપી મહમદઇસ્માઇલ પાંચ ગુ્રપમાં છે. આરોપીએ સાયબર ફ્રોડ કરવા પોતાના નામના ૫૨ જેટલા જી.મેઇલ એકાઉન્ટ બનાવ્યા છે. આરોપી તેના સાગરીતો મારફતે એકાઉન્ટ મેળવતો અને તેનો લોગઇન આઇડી તથા પાસવર્ડ આરોપી અલીને મોકલી આપતો જેથી પૈસાની હેરાફેરી અલી સરળતા કરી શકતો હતો.       


Google NewsGoogle News