નિઝામપુરાના પરમેશ્વરપાર્કમાં મકાન માલિક - ભાડવાતના દરવાજા બંધ કરી 10તોલાના દાગીનાની ચોરી
વડોદરાઃ વડોદરામાં ચોરોની અફવાઓને કારણે ઉશ્કેરાટભર્યા માહોલ વચ્ચે નિઝામપુરા વિસ્તારની એક જ સોસાયટીમાં ત્રણ મકાનોના તાળાં તૂટતાં ઉપરોક્ત વિસ્તારના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
નિઝામપુરા અતિથિગૃહ પાસે પરમેશ્વર પાર્ક સોસાયટીમાં જશવંતભાઇ સોલંકીના મકાનમાં ભાડેથી રહેતા અને અટલાદરાની ખાનગી કંપનીમાં આસિ.મેનેજર તરીકે ફરજ બજાવતા બિબેકકુમાર જગ્યાનંદ સિંગે પોલીસને કહ્યું છે કે,ગઇ તા.૨૫મી સપ્ટેમ્બરે હું પત્ની અને બાળકો સાથે સૂતો હતો ત્યારે વહેલી સવારે નકૂચો નહિ ખૂલતાં મેં ઉપરના માળે રહેતા મકાન માલિક જશવંતભાઇને જાણકરી હતી.પરંતુ તેમનો પણ દરવાજો ચોરો બહારથી બંધ કરી ગયા હોવાથી તેમણે સોસાયટીની કોઇ વ્યક્તિની મદદ લઇ દરવાજો ખોલાવ્યો હતો.
તપાસ કરતાં બીજી રૃમમાં સામાન રફેદફે હતો અને ચોરો હાથફેરો કરીને મંગળસૂત્ર, બુટ્ટીઓ,વિંટી સહિત ૧૦ તોલાના દાગીના અને રોકડા રૃ.૫ હજારની રોકડ રકમ મળી અંદાજે રૃ.પ લાખ જેટલી મત્તા ચોરી ગયા હતા.
તપાસ દરમિયાન ચોરોએ સોસાયટીના એક બંધ મકાનના તાળાં તોડયા હોવાની તેમજ બીજા પણ એક મકાનમાં હાથફેરો કર્યો હોવાની વિગતો જાણવા મળી હતી.જો કે આ બંને બનાવો અંગે બીજો કોઇ ગુનો નોંધવામાં આવ્યો નથી.
ચોરો મકાનની બહાર લેપટોપ ફેંકી ગયા,મહિના પછી ફૂટેજ મળશે કે કેમ તે શંકા
નિઝામપુરાના મકાનમાં ત્રાટકેલા ચોરોને લેપટોપની કોઇ કિંમત સમજાઇ નહતી અને બહાર ફેંકી ગયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ,ચોરો બહારથી મકાન બંધ કરીને ચોરી કરી ગયા હતા.જેથી સવારે મકાન નહિ ખૂલતાં ભાડવાતે ઉપર રહેતા માલિકને જાણ કરી હતી.માલિકનો પણ દરવાજો નહિ ખૂલતાં તેમણે સોસાયટીના રહીશોની મદદ લીધી હતી.
ભાડવાતે તપાસ કરતાં ઘર પાસેથી લેપટોપ મળી આવ્યું હતું.જેથી ચોરો માટે લેપટોપની કોઇ કિંમત નહતી.ઉપરોક્ત બનાવની ફરિયાદ એક મહિના પછી નોંધાતા ફતેગંજ પોલીસની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ એક્શનમાં આવી છે.
ચોરીની ફરિયાદ નોંધાવતા એક મહિનાથી વધુ સમય નીકળી ગયો
નિઝામપુરા વિસ્તારમાં થયેલી ચોરીના બનાવની ફરિયાદ નોંધવામાં એક મહિનાથી વધુ સમય લાગ્યો હતો.
પરમેશ્વર પાર્કમાં ગઇ તા.૨૫મી સપ્ટેમ્બરે રાતે ચોરીનો બનાવ બન્યો હતો.જે અંગે ભાડવાતે પોલીસને જાણ કરતાં ફતેગંજ પોલીસ આવી હતી અને પ્રાથમિક તપાસ પણ કરી હતી.
ઉપરોક્ત વિસ્તારમાંથી મળતી માહિતી મુજબ,ચોરીના બનાવની એફઆઇઆર નોંધાઇ નહતી.જેથી ભાડવાતને ગાંધીનગર સુધી રજૂઆતો કરવી પડી હતી.